નવસારી: સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને નવસારી જિલ્લા મહાર સમાજ પ્રમુખ વિજય બાબુભાઇ ઉચ્ચકટાર,આગેવાન મનીષ ઢોડિયા સમક્ષ મનપુર ITI કોલેજના વિદ્યાર્થીઓએ વાંસદા ડેપોથી મનપુર કોલેજ સુધી ખુબ લાબું અંતર બસના અભાવે પગપાળા ચાલીને જવાની પોતાની વર્ષો જુની સમસ્યા નિવારવા માંગણી કરતા સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલે નવસારી જિલ્લા કલેકટરને રજૂઆત પત્ર લખી રજૂઆત કરી હતી.આ બાબતે મીડિયા સાથેની વાતચીતમા ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે વાંસદા તાલુકો મહદઅંશે ગરીબ/મધ્યમવર્ગીય લોકોની આદિવાસી બહુધા વસ્તી ધરાવતો તાલુકો છે.
વાંસદા તાલુકામાં ITI કોલેજ મનપુર ગામમાં આવેલ છે,જે વાંસદા સેન્ટ્રલ બસ ડેપોથી ચાલતા જઈએ તો ગુગલ મેપના લોકેશન અનુસાર 3.4 કિલોમીટરનું અંતર અને 46 મિનિટનું ચાલવાનું અંતર છે.આ ITI મા 600 જેટલા અભ્યાસ કરતા મોટાભાગના વિદ્યાર્થીઓ ખુબ જ ગરીબ અથવા ગરીબ પરિવારોમાંથી આવે છે જેલોકો માટે અંગત બાઈક/કાર લેવી શક્ય નથી.અને રોજ રોજ અંગત રીક્ષાઓમાં કે ભાડુતી વાહનો વાપરવા શક્ય નથી કારણકે એટલા રૂપિયામાંથી કદાચ એલોકોનો આખા મહિનાનો ખર્ચો નીકળતો હોય છે.આ બાબતે વખતોવખત વિદ્યાર્થીઓ અને સ્થાનિક આગેવાનો તંત્ર સમક્ષ રજૂઆત કરી ચુક્યા છે પરંતુ GSRTC સબડિવિઝન દ્વારા લેખિતમાં એવું જણાવવામાં આવે છે કે એ રૂટ પર 2 બસો માનકુનિયા તરફ અને બીજી બસ જૂજ ડેમથી ફંટાય જાય છે અને ત્યાંથી ITI કિલોમીટર જેટલાં લાંબા અંતરે છે.આથી મુકવામા આવેલ બસો વિશે તપાસ કરતા જાણવા મળેલ છે કે એ બસો ITI ના સમયે આવતી જતી નથી.
ITI 2 શિફ્ટ માટે સવારે વાંસદા ડેપોથી ITI કોલેજના રૂટ પર 7-8 અને સવારે 9-10 વાગે 2 બસો ચલાવવામાં આવે અને બપોરે રિટર્નમા ITI કોલેજ થી વાંસદા ડેપોના રૂટ પર બપોરે 2-3 વાગે અને 4-5 વાગે એમ 4 બસો મુકાવી જોઈએ તો ગરીબ બાળકોને ખુબ જ રાહતરૂપ થઇ શકે એમ છે.એમપણ સરકારી આંકડાઓ અનુસાર ગુજરાત રાજ્યનો ઉંમરગામ થી અંબાજી સુધીનો આદિવાસી પટ્ટો કુપોષણની દ્રષ્ટિએ શરમજનક રીતે આખા દેશમાં ટોપ 10 મા સ્થાન ધરાવે છે.તેમા પણ ભણતી બાળાઓ મહદઅંશે ઓછા હિમોગ્લોબીન એટલે કે એનિમિયાથી પીડિત છે.અને તેમાં પણ આદિવાસી સમાજ માટે અભિશ્રાપરૂપ સિકલસેલ એનિમિયાની તો વાત જ થાય એમ નથી.તેલોકો માટે આટલો ભારે શારીરિક શ્રમ સ્વાસ્થ્ય માટે પણ ગંભીર ખતરારૂપ છે.
આ સમસ્યા ઘણા સમયથી વણઉકેલાયેલી રહી છે.એકબાજુ જાપાન સરકાર માત્ર 1 વિદ્યાર્થી માટે વર્ષો સુધી ભારે ખોટમાં રહીને પણ ટ્રેન ચલાવે છે તો આટલા બધા વિદ્યાર્થીઓ માટે માંગણી મુજબની બસો મૂકીને વિદ્યાર્થીઓની સમસ્યા નિવારી શકાય એમ છે અને એમાં ખોટ જવાની સંભાવનાઓ પણ નથી અને એમપણ શિક્ષણ જ દેશના વિકાસનો પાયો હોય એમાં નફો નુકસાન જોવાનું હોતું નથી.હકીકતમા આ સમસ્યા લાંબા સમયથી હોય સ્થાનિક કક્ષાએ વિદ્યાર્થીઓ અને એમના માટે એમના વતી એમના શિક્ષકો વખતોવખત રજૂઆત કરી કરીને થાકી ચુક્યા છે માટે આપશ્રી પાસેથી જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લાના પ્રજાવત્સલ સમાહર્તા વડા તરીકે અપેક્ષા છે કે આ બાબતને ગંભીરતાથી ધ્યાનમાં લઇ યોગ્ય કાર્યવાહી કરી અનેક વિદ્યાર્થીઓની જિંદગીમા હાશકારો અને એના થકી શિક્ષણમા સરળતા લાવશો એવી અમારી માંગ છે.

