ભરૂચ: ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમે ખાસ બાતમીના આધારે નેપાળી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આરોપી મહેન્દ્ર બીસ્ટ છેલ્લા અઢી વર્ષથી ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં થયેલી પાંચ ચોરીના કેસોમાં વોન્ટેડ હતો.
ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના મુજબ આ કાર્યવાહી કરવામાં આવી હતી. એ ડીવીઝનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ.વસાવા અને પીએસઆઈ એ.વી. શિયાળીયાની ટીમે આરોપીને ઝડપી પાડયો હતો.આરોપી મહેન્દ્ર દીપકભાઈ બીસ્ટ હાલ મહારાષ્ટ્રના પનવેલમાં રહેતો હતો. તેનું મૂળ વતન નેપાળના કૈલાલી ગામના ધનગઢી વિસ્તારનું છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર પૂછપરછમાં આરોપીએ તેના સાગરીત તિકારામ કિર્તીસિંહ વિશ્વકર્મા સાથે મળીને ઘરફોડ ચોરીના ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી છે.પોલીસે આરોપી પાસેથી સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન જપ્ત કર્યો છે. જેની અંદાજિત કિંમત રૂ. 5,000 છે. પોલીસે આગળની કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ આરોપીના સાગરીતની શોધખોળ પણ તેજ કરવામાં આવી છે.

