ભરૂચ: ભરૂચના વાલિયા તાલુકામાં એક મહિલાની હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. કોંઢ ગામથી દોડવાડા અને સિલુડી ગામ તરફ જતા રસ્તા પર આવેલા નાળા નીચેથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે.
વાલિયા પોલીસને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. Decision News ને મળેલી માહિતી મુજબ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે હત્યારાએ મહિલા પર તીક્ષ્ણ હથિયાર વડે અનેક ઘા કર્યા છે. આ ઉપરાંત તેનું ગળું પણ કાપી નાખવામાં આવ્યું છે.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો છે. હાલ સુધી મૃતક મહિલાની ઓળખ થઈ શકી નથી. પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને મહિલાની ઓળખ મેળવવાની કામગીરી શરૂ કરી છે. વાલિયા પોલીસે જાહેર અપીલ કરી છે કે જો કોઈને મૃતક મહિલા અંગે માહિતી મળે તો તુરંત વાલિયા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે.

