ચીખલી: ચીખલીના ખૂંધ ગામેથી દીપડો પાંજરે પુરાતા વનવિભાગે કબ્જો લઈ જરૂરી તપાસ હાથ ધરી હતી. ચીખલી તાલુકાના ખૂંધ પોકડા ફળિયા પાસે 2 જુલાઇના રોજ દીપડો દેખાતા જે અંગેની જાણ કરાતા વન વિભાગના આરએફઓ સહિતના સ્ટાફે જરૂરી સર્વે કરી મુકેશભાઇ મોહનભાઇ પટેલના શેરડીના ખેતરમાં પાંજરું ગોઠવ્યું હતું.
Decision News ને મળેલી માહિતી અનુસાર ગતરોજ સવારના સમયે શિકારની શોધમાં આવી ચઢેલ દીપડો (ઉ.વ.આ. 4) પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે હજુ પણ આ વિસ્તારમાં દીપડાઓ લટાર મારી રહ્યા હોવાની સ્થાનિકો આશંકા સેવી રહ્યાં છે. સાદકપોર-ગોલવાડ, ખૂંધ-પોકડા, ખાંભડા, પીપલગભણ સહિતનો વિસ્તાર પાણીવાળો વિસ્તાર હોય દીપડાને ખોરાક પાણી પણ મળી રહેતું હોય ત્યારે ખેતરમાં સિંચાઇનું પાણી મુકવા જતા ખેડૂતોએ પણ રાત્રિના સમયે સાવચેતી રાખવાની નોબત આવી છે.
જોકે પાંજરે પુરાયેલ દીપડાનો ચીખલી વન વિભાગે કબ્જો લઈ વેટરનરી ડોકટર પાસે જરૂરી તપાસ કરાવતા સ્વસ્થ હોવાનું જણાતા દીપડાને સુરક્ષિત રીતે વન વિસ્તારમાં સ્થળાંતર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

