ડાંગ: કુદરતી સૌંદર્યથી ભરપૂર ડાંગ જિલ્લાનાં પ્રવેશ દ્વાર વઘઇ નજીક આવેલ ગીરાધોધની પ્રભારી મંત્રી કુંવરજી હળપતિએ આકસ્મિક મુલાકાત લીધી હતી.જિલ્લામાં આયોજન બેઠક અર્થે પધારેલા મંત્રીએ ગીરાધોધ પ્રવાસીઓ અને સ્થાનિકોને પડતી વિવિધ મુશ્કેલીઓ અંગે ચર્ચા-વિચારણા કરી હતી. તેમની રજૂઆતો સાંભળી અને તેના તાત્કાલિક નિરાકરણ માટે સંબંધિત વિભાગોને સૂચનાઓ આપી હતી.વઘઇ ગીરાધોધ નયનરમ્ય સુંદરતાને કારણે ગુજરાત ઉપરાંત પાડોશી રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષે છે. આ પ્રવાસી સ્થળ જિલ્લા માટે એક મહત્વપૂર્ણ પ્રવાસન કેન્દ્ર છે.
જો કે છેલ્લા કેટલાક સમયથી પ્રવાસીઓ અને સ્થાનિક વેપારીઓ કેટલીક સમસ્યાનો સામનો કરી રહ્યા હતા.સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, જિલ્લા પ્રશાસન દ્વારા પ્રવાસી વાહનોને મુખ્ય માર્ગ સુધી જ રાખવાનો આદેશ કરવામાં આવ્યો હતો, જેના કારણે પ્રવાસીઓને, ખાસ કરીને બાળકો અને વરિષ્ઠ નાગરિકોને ધોધ સુધી પહોંચવા માટે આશરે 2 કિલોમીટર પગપાળા જવું પડે છે, જે ખૂબ અસુવિધાજનક છે. આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં લેતા પ્રભારી મંત્રી કુંવરજી હળપતિએ તાત્કાલિક ધોરણે જિલ્લા પોલીસ વડાને સૂચના આપી હતી કે, પ્રવાસી વાહનોને ધોધ નજીક આવેલા પાર્કિંગ સ્થળ સુધી જવાની મંજૂરી આપવામાં આવે. આ નિર્ણયથી પ્રવાસીઓને ધોધ સુધી પહોંચવામાં પડતી મુશ્કેલીનો અંત આવશે અને તેમની યાત્રા વધુ સુખદ બનશે.
આ ઉપરાંત મંત્રીએ ગીરા ધોધના કેચમેન્ટ વિસ્તાર પાસે આવેલી દુકાનોને વધુ વ્યવસ્થિત અને આધુનિક રીતે બનાવાનું સૂચન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લામાં ચોમાસા રમિયાન હજારો સંખ્યામાં પ્રવાસીઓ આવે છે અને સબરીધામ, સાપુતારા હીલસ્ટેશન, ગીરાધોધ સહિતની કુદરતી સૌંદર્યથી ભરપુર જગ્યાની મુલાકાત લેશે. પ્રવાસન ધામ તરીકે ડાંગ જિલ્લા ઝડપભેર વિકસી રહ્યો છે ત્યારે દેશભરના લોકો કુદરતના સૌંદર્યને માણવે અહીં પહોંચે તેવો પ્રભારી મંત્રીનો આશય સ્થાનિકોને લાભ કરતા રહેશે.

