વાપી: વાપી તાલુકાની નાની તંબાડી પી.એચ.સી.ના મેડિકલ ઓફિસર ડો. હિરલબેન પટેલ અને તેમની ટીમે લવાછા પીપરીયા વિસ્તારમાં દરોડો પડયો. શીવમ ક્લિનિકમાંથી બે બોગસ ડોક્ટરો પકડાયા છે.આરોપી અબ્દુલલતીફ અબ્દુલકુદૃસ ખાન વાપીના કરવડ વિસ્તારમાં રહે છે. બીજા આરોપી મુનીર અહમદ અબ્દુલલતીફ ખાન મહારાષ્ટ્રના થાણે જિલ્લાના મુમરા વિસ્તારના રહેવાસી છે. તેઓ “ખાન પ્રાથમિક ચિકિત્સા કેન્દ્ર” નામનું દવાખાનું ચલાવતા હતા.
Decision News ને મળેલી માહિતી મુજબ તપાસમાં બહાર આવ્યું કે બંને આરોપીઓ પાસે ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન નથી. તેઓ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડિસિનનું માન્ય પ્રમાણપત્ર પણ ધરાવતા નથી. માત્ર પેરામેડિકલ ડિગ્રીના આધારે તેઓ દર્દીઓની સારવાર કરતા હતા.
પોલીસે દવાઓ સહિત કુલ રૂ.16,067.96 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ડુંગરા પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા, 2023 ની કલમ 271 અને 54 તેમજ ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. દરોડા દરમિયાન મેડિકલ ઓફિસર, આરોગ્ય વિભાગની ટીમ અને સ્થાનિક પંચો હાજર હતા. આરોગ્ય વિભાગ હવે આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે વધુ સક્રિય બની કાર્યવાહી કરી રહ્યો છે.

