ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પિપદરા ગામના 78 વર્ષીય રહીશ અને શ્રમ અને રોજગાર વિભાગના નિવૃત્ત અધિકારી ભુલાભાઇ મથુરભાઇ વસાવાની 38 મી શ્રીલંકા ઇન્ટરનેશનલ માસ્ટર્સ ઓપન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ-2025 સ્પર્ધા માટે પસંદગી થતાં તેઓ આ સ્પર્ધામાં ભાગ લેવા કોલંબો ગયા છે.તેઓએ 3 ઇવેન્ટ માં તા. 5 અને 6 જુલાઇના રોજ ભાગ લીધો હતો અને તે પૈકી ભુલાભાઇએ ઝડપી ચાલ અને દોડમાં 78 વર્ષની ઉંમરે પોતાનું કૌશલ્ય બતાવીને દેશ,રાજ્ય,ભરૂચ જિલ્લો તેમજ સમગ્ર ઝઘડિયા તાલુકાનું ગૌરવ વધાર્યું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ અગાઉ તેમણે 3000 મીટર દોડમાં 75 વર્ષની ઉંમરે ગોલ્ડ મેડલ,3000 મીટર ઝડપી ચાલમાં ગોલ્ડ મેડલ તેમજ ૭૫ વર્ષની ઉંમરે 1500 મીટર દોડમાં સિલ્વર મેડલ મેળવ્યા હતા.આમ કુલ બે ઇવેન્ટમાં પ્રથમ અને દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરીને તેમણે 78 વર્ષની ઉંમરે પણ ખુબજ મજબૂત મનોબળ અને તંદુરસ્તી ધરાવે છે તેમ સાબિત કર્યુ હતું.
ઉલ્લેખનીય છે કે મોટા ભાગના સરકારી કર્મચારીઓ નિવૃત્ત થયાં પછી આરામની જીંદગી જીવતા હોય છે,ત્યારે ભુલાભાઇ 78 વર્ષની ઉંમરે પણ જાતે ખેતીકામ કરે છે, અને વિવિધ એથલેટિક સ્પર્ધાઓમાં ભાગ લઈ પોતાનું કૌવત બતાવે છે. આ સફળતાનું શ્રેય તેઓ દરરોજ વહેલી સવારે ઉઠીને દોડવાની પ્રેક્ટિસ અને ખેતીકામમાં કરાતા પરિશ્રમ ને આપે છે. તેમના આ કામમાં તેઓને કુટુંબના સભ્યોનો સાથ અને સહકાર મળતો હોય છે.તેમના દિકરી માયાબેન વિવિધ સ્પર્ધાઓ દરમિયાન તેમની સાથે રહીને તેમની કાળજી લેતા હોય છે.

