વલસાડ: વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગની મેલેરિયા શાખા દ્વારા જુલાઈ માસમાં ડેન્ગ્યુ વિરોધી વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. માદા એડીસ ઈજિપ્ત મચ્છરથી ફેલાતા ડેન્ગ્યુના રોગને નિયંત્રણમાં રાખવા માટે વિભાગ દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

જિલ્લા મેલેરિયા અધિકારી ડો. વિરેન પટેલના જણાવ્યા અનુસાર, હાઈરિસ્ક એરિયામાં સઘન સર્વેલન્સ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીમાં પાણીના પાત્રોની સફાઈ, મચ્છર ઉત્પત્તિના સ્થાનોની શોધ, ટેમીફોર્સ દ્રાવણનો ઉપયોગ અને ફોગિંગનો સમાવેશ થાય છે. લોકોમાં જાગૃતિ લાવવા માટે પેમ્પલેટનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.

વરસાદની બદલાતી પેટર્ન અને ઔદ્યોગિક સ્થળાંતર ડેન્ગ્યુના કેસોમાં વધઘટ માટે જવાબદાર છે. એડીસ મચ્છરના કરડયાના 5-6 દિવસ બાદ તાવના લક્ષણો દેખાય છે. સમયસર સારવાર ન લેવાથી ફેફસામાં પ્રવાહી ભરાવાનું જોખમ રહે છે. આ સ્થિતિમાં શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.

આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સલાહ આપવામાં આવે છે કે ડેન્ગ્યુ અને મચ્છરજન્ય રોગો વિશે વધુ માહિતી માટે નજીકના આરોગ્ય કેન્દ્ર, આરોગ્ય કર્મચારીઓ અથવા આશા બહેનોનો સંપર્ક કરવો. વલસાડ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગની અસરકારક કામગીરીને કારણે ડેન્ગ્યુના કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here