સુરત: માંગરોળ તાલુકાના બોરીયા ગામે ગામબંદી કરવામાં આવી. “બંદી” નો સામાન્ય અર્થ બંધ કરવું એવો થાય છે. કેટલાક વિસ્તારોમાં એ ગામબંધી તરીકે પણ ઓળખાય છે. બંદી એ એક પ્રકારની પૂજા છે. એનાં માટે કોઈ નિયત કરેલો દિવસ હોતો નથી. છતાં જ્યાં જ્યાં ચૌધરીઓ આદિવાસીઓ વસવાટ કરતા હોય છે એવાં ગામોમાં વર્ષમાં ઓછામાં ઓછો એક દિવસ તો ગામ બંદી રાખવામાં આવે છે.
ખાસ કરીને વરસાદનાં દિવસોમાં બીમારીનું પ્રમાણ વધી જતું હોય છે, તે સમયે ગામમાં ગામ બંદી રાખવામાં આવે છે. ગામ બંદીના દિવસથી ગામના તમામ લોકો, ઢોરઢાંખર, ખેતીવાડીની સુરક્ષાની જવાબદારી એક મોટાં દેવને સોંપવામાં આવતી હોય છે. અને દેવ આ જવાબદારી સ્વીકારે એ દેવનાં થાનકે ગામ હરખી લઇ જવાનું નક્કી કરાતું હોય છે. પહેલાંના સમયમાં કોલેરા, પ્લેગ, ઓરી, અછબડા, શીતળા જેવી સંક્રમિત બીમારીઓ વખતે આ પ્રકારની બંદી રાખવામાં આવતી. કોરોના મહામારીમાં ધણી જગ્યાએ ગામ બંદી રાખવામાં આવી હતી એનાં અનેકો દાખલાઓ જોવા મળે છે. અને આવાં ગામોમાં બીમારી આવી ખરી પરંતુ કોઇનું મૃત્યુ થયું હોય એવું જણાય આવતું નથી.
આ આખી પૂજાનો હાર્દ માણસોની બીમારી, પશુધન અને ખેતીવાડીની સુરક્ષા માટે નો છે. પૂજાના આગલા દિવસે ગામના ભગતો, ઔષધીઓના જાણકાર જંગલોમાં જઇને ઔષધિઓ લઇ આવતા હોય છે. પૂજાના દિવસે દેવથાનકે લાવેલી ઔષધિઓ માંથી ઉકાળો તૈયાર કરવામાં આવે છે. દેવપૂજા પછી ઉકાળાનું વિતરણ કરવામાં આવે છે. આ ઉકાળો ગ્રામજનોને પીવા માટે આપવામાં આવે છે.

