રાજપીપળા: હાલમાં ચૈતર વસાવાની ધરપકડ મામલે આદિવાસી સમાજના લોકોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે ત્યારે લોકો કહી રહ્યા છે કે પોલીસ ભાજપના ઈશારે કામ કરી રહી છે તેની ધરપકડ પણ એક સાજીશ છે પણ રાજપીપળા કોર્ટે પોલીસે માગેલાં રીમાન્ડ નામંજુર કરી સત્યને સાથ આપ્યો છે.
ડેડીયાપાડા પ્રાંત કચેરી ખાતે યોજાયેલી આદિજાતિ વિકાસની સંકલન બેઠક દરમિયાન ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ડેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા વચ્ચે મારામારી બાદ રાજકીય માહોલ ગરમાયો છે. ડેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવા પર મોબાઈલ ફોન અને કાચનો ગ્લાસ ફેંકવા, લાફા ઝીંકવા અને મારી મારી નાખવાની ધમકી આપવાનો ગંભીર આક્ષેપ કર્યો છે જેના પગલે પોલીસ ફરિયાદ નોંધાઈ અને બાદમાં રાજકીય ડ્રામા વચ્ચે ચૈતર વસાવાની ધરપકડ કરાઈ હતી.
ચૈતર વસાવાને પોલીસ સ્ટેશનમાંથી રાજપીપળા લઇ જવામાં આવતા ધક્કામુકી સર્જાઈ હતી. તેમના સમર્થકો ગાડી આગળ આવી ગયા હતા. કેટલાક સમર્થકો પોલીસ ગાડી પર ચડી ગયા હતા. રાજપીપળા LCB પોલીસ સ્ટેશન બહાર સમર્થકો અને પોલીસ વચ્ચે મોડી રાત સુધી ઘર્ષણ જોવા મળ્યું હતું. આજે ધારાસભ્યને કોર્ટમાં રજૂ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. બીજી તરફ નર્મદા પોલીસે 5 દિવસના ચૈતર વસાવાના રિમાન્ડની કરેલી માંગણી કોર્ટે ના મંજુર કરી હતી.

