વાગરા: વાગરા તાલુકાના સાયખા GIDCના કેમિકલ ઝોનમાં ચાર પશુઓના શંકાસ્પદ મોત થયા છે. હોર્બેક્સ મેડિસીન્સ કંપનીની પાછળની જગ્યામાંથી પશુઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. પશુઓના માલિક ઈશ્વર આહીરે આરોપ લગાવ્યો છે કે કંપની દ્વારા ખુલ્લામાં છોડવામાં આવતા કેમિકલયુક્ત પ્રવાહી પીવાથી પશુઓના મોત થયા છે.

Decision News ને મળેલી માહિતી મુજબ કંપની સામે કાયદેસરની કાર્યવાહી અને વળતરની માગણી કરી છે. ઘટનાની જાણ થતાં મામલતદાર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. GPCBએ ઘટનાસ્થળેથી પાણીના નમૂના એકત્ર કરીને લેબોરેટરી ટેસ્ટ માટે મોકલ્યા છે.

મામલતદારની દેખરેખ હેઠળ ક્રેનની મદદથી બે મૃત પશુઓને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ અને લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે. પશુપાલક તંત્ર પાસેથી ન્યાય અને આર્થિક નુકસાનીનું વળતર મેળવવાની આશા રાખી રહ્યા છે.