દમણ: દમણ શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા વાહનચાલકો સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લા એક મહિનામાં 2500થી વધુ વાહનચાલકોને ઈ-ચાલાણ આપવામાં આવ્યા છે. હેલમેટ વગર બાઈક ચલાવનારા, ઓવરસ્પીડિંગ કરનારા અને અન્ય ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોને દંડિત કરવામાં આવ્યા છે.શહેરના મુખ્ય માર્ગો પર CCTV કેમેરાનું નેટવર્ક સ્થાપિત કરવામાં આવ્યું છે. નિયમભંગ થતાં વાહનચાલકોને તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS દ્વારા ઈ-ચાલાણ મોકલવામાં આવે છે.

Decision News ને મળેલી માહિતી મુજબ દમણ પોલીસ વડા કેતન બંસલના જણાવ્યું કે ઈ-ચાલાણની શરૂઆત બાદ ટ્રાફિક નિયમભંગની ઘટનાઓમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે.દરમિયાન, કેટલાક વાહનચાલકોને ખોટા ઈ-ચાલાણના મેસેજ મળ્યા છે. પોલીસે સ્પષ્ટતા કરી છે કે વાહનચાલકોએ માત્ર દમણ ટ્રાફિક પોલીસની અધિકૃત વેબસાઈટ પર જ દંડની રકમ ભરવી.

અત્યાર સુધીમાં 4 વાહનચાલકોને આવા ફેક મેસેજ મળ્યા હોવાની માહિતી સામે આવી છે.એસપી કેતન બંસલે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ દંડથી બચવા નહીં, પરંતુ પોતાની સુરક્ષા માટે ટ્રાફિક નિયમોનું પાલન કરે. દમણ પોલીસે ફેક મેસેજ મોકલનાર ગેંગની તપાસ શરૂ કરી છે. ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આ ગેંગને પકડવાની કાર્યવાહી ચાલી રહી છે.