અંકલેશ્વર: અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામની પ્રાથમિક શાળામાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે. શાળાના રમત-ગમતના મેદાનમાં રમી રહેલા 6 વર્ષીય હાર્દિક વસાવાના માથા પર લોખંડનો રેક પડતાં તેનું મોત નિપજ્યું છે.પીરામણ ગામમાં રહેતા સુખદેવ વસાવાના પુત્ર હાર્દિક બપોરના સમયે શાળાના મેદાનમાં રમી રહ્યો હતો.

Decision News ને મળેલી માહિતી મુજબ રમત-ગમત માટે બનાવાયેલો લોખંડનો રેક અચાનક ધરાશાયી થયો. રેક હાર્દિકના માથા પર પડતાં તેને ગંભીર ઈજા થઈ.શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ તરત જ બાળકને પ્રાથમિક સારવાર માટે પીરામણની એચ.એમ.પી. હોસ્પિટલમાં ખસેડયો. ત્યારબાદ વધુ સારવાર માટે જયાબહેન મોદી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો.

ઘટનાની જાણ થતાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી. પોલીસે અકસ્માત મોતની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. શાળા સંચાલકોની બેદરકારી સામે પણ સવાલો ઉઠયા છે. બાળકના અકાળે અવસાનથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.