ચીખલી: ચીખલી તાલુકાના 22-25 જેટલાં વ્યાપક વસ્તી ધરાવતા ગામોની વચ્ચે ટાંકલ ગામમાં આવેલ વિજ વિભાગની ઓફિસમાં રાત્રીના સમયે માત્ર 2 જ કર્મચારીઓ હોવાથી અનેકવાર ગ્રામજનો અને ખેડૂતોને સામાન્ય ફોલ્ટના નિવારણ માટે કલાકોની રાહ જોવી પડતી હોય છે જેના લીધે લોકો રાત્રીના સમયે વીજ ધાંધિયાઓને લીધે ત્રાસ અનુભવતા હોય છે.
વીજ વિભાગ દ્વારા વિજ બિલ ભરવામાં એક-બે દિવસ ઉપર સમયગાળો જતો રહેતો હોય તો ભારે દંડ અને ત્વરિત વીજ કનેક્સન કાપવાની કવાયત હાથ ધરવામાં આવતી હોય છે પરંતુ આજ વિભાગ દ્વારા સુવિધાઓ આપવાનો વારો આવતો હોય ત્યારે સ્ટાફની અછતની વાતો છેડવામાં આવતી હોય છે આનાથી સ્થાનિકો નાની નાની સમસ્યાઓમા પણ ભારે હેરાન થતાં હોય છે. આથી જાગૃત નાગરિક તરીકે સમસ્ત આદિવાસી સમાજના રાનકુવા વિભાગના કાર્યકર્તા મનીષ ઢોડિયા દ્વારા અનેક સામાન્ય લોકોની વેદના સમજીને ત્વરિત યોગ્ય કાર્યવાહી કરી પ્રજાજનો અને ખેડૂતોની હેરાનગતિ ઓછી કરવાની દિશામાં યોગ્ય કાર્યવાહી કરવા ડિજિવીસીએલના મેનેજીંગ ડાયરેક્ટરને પત્ર લખી માંગણી કરી હતી.
આ બાબતે સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ દ્વારા મીડિયા સાથેની વાતચીતમા જણાવ્યું હતું કે DGVCL દ્વારા ગતવર્ષે પરીક્ષા પાસ કરેલ ઉમેદવારોને હજુ સુધી નોકરીએ લીધેલ નથી અને બીજી બાજુ સ્ટાફ ઓછો હોવાનું બહાનું કાઢી સામાન્ય લોકોને હેરાન કરે છે અને સામાન્ય જનતાએ ખાસ કરીને રાત્રીના સમયે ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે અને ઘણીવાર રાત્રીના સમયે ઓન ડ્યુટી કર્મચારીઓએ ઉપરીઓના લીધે સ્થાનિકો સાથે વારંવાર માથાકૂટનો અને કેટલીક હાથાપાઇનો પણ સામનો કરવો પડતો હોય છે. અત્યારે હાલમાં પણ કેટલાય કર્મચારીઓ વગર લેવેદેવે સ્થાનિકો સાથે સ્માર્ટ મિટરની બાબતે ઘર્ષણમા ઉતરી ચુક્યા છે અને જ્યાં જ્યાં મીટર ફિટ કરવા જાય છે ત્યાં ત્યાં ભારે વિરોધ અને લોકોના ગુસ્સાનો ભોગ બનવું પડી રહ્યું છે અને એમાં એ લોકોની હાલત સુડી વચ્ચે સોપારી જેવી બની ગયેલ છે. આ સ્થિતિ માત્ર ટાંકલ પૂરતી જ સીમિત નથી પરંતુ લગભગ દક્ષિણ ગુજરાતનો સમગ્ર આદિવાસી વિસ્તાર આ પરિસ્થિતિનો સામનો કરી રહેલ છે. આથી DGVCL દ્વારા લોકોની સમસ્યાઓ ગંભીરતાથી ધ્યાને લઇ ખુબ જ મહેનતથી પરીક્ષા પાસ કરી પસંદગી પામેલ અનેક યુવાનોની તાત્કાલિક ભરતી કરી રોજગારીનો પ્રશ્ન પણ સોલ્વ કરવો જોઈએ અને આ વધારાના સ્ટાફથી તમામ આદિવાસી વિસ્તારોના સ્થાનિક ગ્રામજનોને ઓછા સ્ટાફને કારણે સર્વિસ મેળવવામા પડી રહેલ હાલાકી નિવારવી જોઈએ.

