ડાંગ: સાપુતારા, આહવા ડાંગ જિલ્લાનાં શામગહાન રેંજમાં સમાવિષ્ટ ધૂમખલ પ્લાન્ટેશન નર્સરીના કૂવામાં દીપડીનું બચ્ચુ ખાબકતા વન વિભાગની ટીમે રેસ્ક્યુ કરી સહીસલામત બહાર કાઢયું હતું. દક્ષિણ વન વિભાગ ડાંગ હસ્તકની શામગહાન રેંજમાં લાગુ ધૂમખલ પ્લાન્ટેશન નર્સરી વિસ્તારમાં ગત રવિવારે રાત્રિનાં અરસામાં એક દીપડી બે બચ્ચા સાથે શિકારની શોધમાં નીકળી હતી. અહીં રાત્રિના અરસામાં દીપડી બન્ને બચ્ચાઓ સાથે શિકારની શોધમાં ભટકતી ભટકતી ધૂમખલ પ્લાન્ટેશન નર્સરીનાં કમ્પાઉન્ડમાં ઘુસી ગઈ હતી. પ્લાન્ટેશન નર્સરી નજીકનાં કૂવા પાસેથી પસાર થતી વેળાએ બચ્ચુ કદાચ કુદકા મારતા કૂવામાં પડી ગયું હતું.
જેમાં સોમવારે વહેલી સવારે ધૂમખલ પ્લાન્ટેશન નર્સરીનો વોચમેન કૂવાની મોટર ચાલુ કરવા ગયો હતો. અહીં વોચમેનને કૂવામાંથી ઘુરકવાનો અવાજ આવતા તેણે કૂવામાં ડોકિયુ કરતા દીપડીનું બચ્ચુ દેખાયું હતું. જેથી વોચમેને તુરંત જ શામગહાન રેંજના આરએફઓ ચિરાગભાઈ માછીને જાણ કરતા તેઓ સ્થળ પર દોડી ગયા હતા. સ્થળ પર આરએફઓ ચિરાગભાઈ માછીની ટીમે નેટ અને દોરડા વડે કૂવામાંથી દીપડીનાં બચ્ચાનું સહીસલામત રીતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બહાર કાઢયું હતું. હાલમાં શામગહાન રેંજ કચેરી દ્વારા આ બચ્ચાને સહીસલામત રેસ્ક્યુ કરી સારવાર માટે દક્ષિણ વન વિભાગનાં રેસ્ક્યુ સેન્ટરનાં ઓબ્ઝર્વેશનમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ બાબતે શામગહાન રેંજનાં આર.એફ.ઓ ચિરાગભાઈ માછીએ જણાવ્યું હતું કે ધૂમખલ પ્લાન્ટેશન નર્સરીનાં કૂવામાં અનાયાસે પડી ગયેલ દીપડીનાં બચ્ચાનું અમારી ટીમે સહીસલામત રીતે રેસ્ક્યુ કરી બહાર કાઢયું છે. હાલમાં દક્ષિણ વન વિભાગનાં ડીસીએફ નિરજકુમારનાં માર્ગદર્શન હેઠળ અમોએ આ બચ્ચાને રેસ્ક્યુ સેન્ટરનાં ઓબ્ઝર્વેશનમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે. આ બચ્ચાની સાથે તેની માતા તથા અન્ય એક બચ્ચુ પણ આસપાસનાં જંગલ વિસ્તારમાં ફરતા હોય તેવું જાણવા મળ્યું છે. જેથી આ બચ્ચાને શોધવા માતા દીપડી આવી શકે છે તેમજ દીપડી કોઈને નુકસાન ન કરે તેની કાળજી રાખી ધૂમખલ નર્સરી નજીક વધુ પાંજરા ગોઠવી દીપડીને પકડી આ બચ્ચા સાથે મિલાપ કરાવવાના અમારા સઘન પ્રયાસો ચાલી રહ્યાં છે.

