વલસાડ: વલસાડ તાલુકાના કોસંબા રોડ પર આવેલા ભાગડાવાડા ગામે પોલિટેક્નિક કોલેજ નજીક મધ્યરાત્રીએ ભારે પવન ફૂંકાયો હતો. કોસંબા રોડ ઉપર એક મહાકાય વૃક્ષ કડાકા સાથે ધરાશાયી થયું હતું. વૃક્ષ બાજુમાંથી પસાર થતી વીજ લાઈન પર પડયું હતું.
Decision news ને મળતી માહિતી મુજબ ઘટનામાં બે વીજ પોલ અને એક ટ્રાન્સફોર્મર પોલ નીચે તૂટી પડયા હતા. રોડ ઉપરથી પસાર થતી એક ગાય વીજતારના સંપર્કમાં આવી જતાં તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.સ્થાનિક લોકોએ તાત્કાલિક વીજ કંપની અને સ્થાનિક અગ્રણીઓને જાણ કરી હતી. લોકોએ વાહન વ્યવહાર અટકાવી દીધો હતો.
દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.વીજ કંપનીની ટીમે યુદ્ધના ધોરણે મરામત અને વીજ વ્યવસ્થા પુનઃસંચાલિત કરવાની કામગીરી શરૂ કરી હતી. ભાગડાવાડા ગામ અને આસપાસના વિસ્તારોમાં કેટલાક કલાકો સુધી વીજળી ડૂલ રહી હતી. વીજ વિભાગ દ્વારા પાયાવિહોણી થયેલી લાઈનને ફરીથી કાર્યરત કરવાના પ્રયત્નો ચાલુ છે.

