Yoga Day 2025: દેશભરમાં આજે શનિવારે (21 જૂન) આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે ભારતે યોગ દિવસે વિશેષ પ્રસિદ્ધિ મેળવી છે. જેમાં ગુજરાત અને આંધ્ર પ્રદેશ રાજ્યએ વર્લ્ડ રેકોર્ડ બનાવીને ગિનીઝ બુકમાં સ્થાન મેળવ્યું છે. ગુજરાતના વડનગરે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. જ્યાં બે હજારથી વધુ લોકોએ 2 મિનિટ 9 સેકન્ડમાં એકસાથે ભુજંગાસન કરીને આ ઉપલબ્ધિ હાંસલ કરી છે. જ્યારે આંધ્ર પ્રદેશે બે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ  બનાવ્યા છે. જ્યાં 3 લાખથી વધુ લોકોએ યોગ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. જેમાં 2000 આદિવાસી વિદ્યાર્થીઓએ એકસાથે 108 મિનિટમાં 108 વખત સૂર્યનમસ્કાર કર્યા હતા.

2121 સહભાગીઓએ 2 મિનિટ અને 9 સેકન્ડ માટે યોગ કર્યા

ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સના સત્તાવાર નિર્ણાયક રિચર્ડ સ્ટનિંગે જણાવ્યું હતું કે, યોગમાં સૌથી વધુ સંખ્યામાં કોબ્રા પોઝ-ભુજંગાસન કરવાનો રેકોર્ડ શનિવારે બન્યો હતો. અમે આ રેકોર્ડ માટે સહભાગીઓની ઓછામાં ઓછી સંખ્યા 250 નક્કી કરી હતી. જેમાં તેઓને ઓછામાં ઓછા એક મિનિટ માટે કોબ્રા પોઝમાં યોગ કરવાનો હતો. લગભગ 2184 લોકોએ તેમાં ભાગ લીધો હતો અને 2121 સહભાગીઓએ 2 મિનિટ અને 9 સેકન્ડ માટે યોગ કર્યા હતા.

ગુજરાત માટે ગર્વની ક્ષણ

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સોશિયલ મીડિયા માધ્યમ ‘X’પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, ‘અધ્યાત્મ, કળા અને સંસ્કૃતિનો અદ્‌ભૂત સંગમ ધરાવતી પાવન ભૂમિ વડનગર ખાતે આજે 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રાજ્યકક્ષાના કાર્યક્રમમાં સહભાગી થઈને યોગાભ્યાસ કરવાનો અવસર ખૂબ ઊર્જાદાયી બની રહ્યો. આજના દિવસે 2121 લોકોએ એક સાથે ભુજંગાસન કરીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું.’

આંધ્ર પ્રદેશે બે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે, ‘આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં 3 લાખથી વધુ લોકોએ એક સાથે યોગ કરીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવીને ઈતિહાસ રચ્યો છે. આંધ્ર પ્રદેશે બે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામ કર્યા છે. 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં ભાગ લેવા માટે આંધ્ર પ્રદેશમાં 2.45 લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.’


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here