સુરત: દક્ષિણ ગુજરાત, ખાસ કરીને સુરતમાં, હાલમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, અને વહેલી સવારથી જ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ પ્રથમ વરસાદે જ સુરત મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવની ગંભીર સમસ્યા સર્જાઈ છે, જેના કારણે સામાન્ય જનજીવન પર વિપરીત અસર પડી રહી છે.

વરસાદી પાણીનો ભરાવો એટલો છે કે ઉત્રાણ પોલીસ સ્ટેશન, તલાટી ઓફિસ, સરકારી શાળા અને આંગણવાડીની બહાર પણ પાણી ભરાઈ ગયા છે. આંગણવાડીની સંચાલિકા સુરેખાબેનના જણાવ્યા મુજબ, “દર વર્ષે આવી જ સમસ્યા થાય છે. અમે પાલિકાના કર્મચારીઓને ફરિયાદ કરીએ છીએ ત્યારે તેઓ અહીં આવીને કામ કરીને જતા હોય છે, પરંતુ થોડાક સમય બાદ ફરીથી જ્યારે વરસાદ થાય ત્યારે આ પરિસ્થિતિ ઉદ્ભવે છે.” પાણી ભરાવાના કારણે નાના બાળકો આંગણવાડી આવી શક્યા નથી, જેના પગલે તેમને રજા આપી દેવામાં આવી છે.

અનેક વિસ્તારોમાં ડ્રેનેજના પાણી બેક મારતા પાણી ભરાવાની સ્થિતિ વધુ વણસી છે અને ગંદા પાણી પણ રસ્તાઓ પર ફરી વળ્યા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓની બહાર પણ પાણી ભરાઈ જતાં વિદ્યાર્થીઓ અને વાલીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. ફૂલપાડા વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાં પણ રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

ચોમાસાની શરૂઆત સાથે જ સર્જાયેલી આ સ્થિતિએ તંત્રની નિષ્ક્રિયતાનો ખુલાસો કર્યો છે. પાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં ન આવતા તેનો ભોગ સામાન્ય પ્રજા બની રહી છે. આગામી દિવસોમાં જો વધુ વરસાદ પડશે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે, ત્યારે પાલિકા તાત્કાલિક ધોરણે આ સમસ્યાના નિરાકરણ માટે પગલાં ભરે તે અત્યંત જરૂરી છે