બીલીમોરા: બીલીમોરામાં એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતમાં 10 વર્ષીય વિદ્યાર્થી પ્રણવ રણજીતભાઈ પાંડેનું મોત નિપજ્યું છે. બી.એસ.પટેલ શાળામાં ધોરણ-5માં અભ્યાસ કરતો પ્રણવ 13 જૂનના રોજ સાંજે 5 વાગ્યે ટ્યૂશનથી સાયકલ પર ઘરે પરત ફરી રહ્યો હતો.
Decision news ને મળેલ માહિતી મુજબ, કોલેજ નજીક વન મોર કાફે સામેથી પસાર થતી વખતે ટેમ્પો (નંબર જીજે-05-એવી-2023)એ તેને અડફેટે લીધો હતો. અકસ્માતમાં પ્રણવને માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી. તેને પ્રથમ બીલીમોરાની સોમનાથ હોસ્પિટલમાં અને ત્યારબાદ વલસાડ ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
પ્રણવના પિતા રણજીતભાઈ અને દાદા અશોકભાઈ પાંડે આંતલિયા અને બીલીમોરામાં કરિયાણાની દુકાન ચલાવે છે. તે તેના માતા-પિતા, દાદા-દાદી અને ધોરણ 10માં અભ્યાસ કરતી બહેન સાથે રહેતો હતો. અકસ્માત બાદ ટેમ્પો ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો. બીલીમોરા પોલીસે આરોપી ચાલકની ધરપકડ કરી લીધી છે. પીઆઇ જે.વી.ચાવડાના નેતૃત્વમાં આ કેસની તપાસ ચાલી રહી છે.
સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, બીલીમોરામાં શાળા છૂટવાના સમયે મોટા વાહનો બેફામ દોડે છે. ઓવરસ્પીડ, ઓવરલોડ અને બિન-લાયસન્સ વાહનોની સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે.

