સુરત: સુરતમાં રહેતી 23 વર્ષીય મોડેલ અંજલિ વરમોરાએ 7 જૂનની મોડી રાત્રે 2 વાગ્યે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ આપધાત કરી લીધો હતો, ત્યારે પોલીસે આપઘાતનું કારણ જાણવા માટે મોડેલના મોબાઈલની કોલ ડિટેઈલ રેકોર્ડ (CRD)ની તપાસ શરૂ કરી છે. જેમાં યુવતીના આપઘાત પહેલાં અઢી કલાકમાં તેના ફોનમાં 23 કોલ હતા જેમાંથી 12 કોલ તેના ફિયાન્સ ચિંતને કર્યા હતા અને તેની સાથે 16 મિનિટ વાત કરી હોવાનું સામે આવ્યું છે.
મોડેલ અંજલિ વરમોરાના કોલ ડિટેઈલની પ્રાથમિક તપાસમાં આપઘાત પહેલાંના અઢી કલાકમાં કુલ 23 કોલ હોવાનું સામે આવ્યું છે. જેમાં મિસકોલથી લઈને તેણે કરેલા કોલ્સ પણ સામેલ છે. આ 23 કોલ્સમાંથી 12 કોલ તેના ફિયાન્સના હતા. જેમાં અંજલિએ તેની સાથે 16 મિનિટ વાત કરી હતી. વાતચીત બાદ ફિયાન્સના કેટલાક મિસકોલ પણ તેના મોબાઈલમાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત CDR મુજબ અંજલિએ 7 જૂન સાંજે અને રાત્રે તેની માતા, બહેન, જીજાજી અને ભાઈને પણ ફોન કર્યા હતા. એટલું જ નહીં મોડેલે વોટ્સએપથી પણ કોલ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
અંજલિ વરમોરાના ફિયાન્સ ચિંતને પોલીસ સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે, અંજલિએ તેને મળવા માટે ઘરે બોલાવ્યો હતો. જોકે, તે સમયે તે પાનના ગલ્લા પર બેઠો હોવાથી તેણે ઘરે આવવાની ના પાડી હતી. ચિંતનનું માનવું છે કે, આ વાતનું અંજલિને માઠું લાગી આવતા તેણે આપઘાત જેવું અંતિમ પગલું ભર્યું હોઈ શકે છે.બીજી તરફ મોડેલ અંજલિ વરમોરાના પરિવારજનો પણ આ ઘટના બાબતે કશું બોલવા તૈયાર નથી. જેના કારણે આ આપઘાતનું રહસ્ય વધુ ઘેરું બન્યું છે. પોલીસ તપાસ બાદ જ આ મામલે સાચી હકીકત સામે આવશે.
હાલમાં અઠવાલાઈન્સ પોલીસે મોડેલ અંજલિ વરમોરા અને તેના ફિયાન્સ ચિંતન બંનેના આઇફોન કબજે કરી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યા છે. પોલીસને આશા છે કે, મોબાઈલમાંથી કોઈ મહત્વપૂર્ણ કડી મળી શકે છે જે આપઘાત પાછળનું સાચું કારણ સ્પષ્ટ કરશે.











