વલસાડ: વલસાડ, નવસારી અને ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ દૂધના વ્યવસાય સાથે સંકળાયેલી છે.દુધના વ્યવસાયથી મહિલાઓ પગભર બની રહી છે. ત્રણેય જિલ્લામાં કુલ 90 હજાર મહિલાઓ ઘરના કામ સાથે સાથે મંડળીમાં દુધ ભરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. વસુધારા ડેરીના મિતેશ બારોટના જણાવ્યાં મુજબ વલસાડ, નવસારી, ડાંગ જિલ્લામાં પ્રતિદિન 11.50 લાખ લિટરથી વધુ દૂધનું ઉત્પાદન થાય છે. જેમાંથી 3.50 લાખ લિટરથી વધુ દુધ વેપારી, ફેરિયા સાયકલ સવાર કે અન્ય મારફતે જાય છે. રોજના 6 લાખ લિટરથી વધુ પેકિંગ કરી દૂધનું વેચાણ વલસાડ, નવસારી, ડાંગ વિસ્તારમાં કરે છે.
2 લાખ લિટર દુધનો પાઉડર અને માખણ માટે ઉપયોગ થાય છે. બાકી તમામ દુધ મુંબઇ, નાગપુર સહિત દુધ બહાર મહારાષ્ટ્ર કે અન્ય સ્થળોએ મોકલે છે. ગુજરાતમાં દૂધના ઉત્પાદનમાં વલસાડ-ડાંગ-નવસારી સાતમાં ક્રમે આવે છે. જેમાં મહિલાઓની ભાગીદારીના કારણે દર વર્ષે દૂધનું ઉત્પાદનનું ટર્ન ઓવર વધી રહ્યું છે. વાર્ષિક ટર્ન ઓવર હાલ ત્રણેય જિલ્લાનું 2850 કરોડ સુધી પહોંચ્યુ છે. ત્રણેય જિલ્લામાંથી રોજની 4 કરોડની આવક થઇ રહી છે.
આ રીતે ચાલે છે દુધની આખી ચેનલ મોટાપોઢાંની મહિલાએ જણાવ્યું હતું કે પશુપાલન સાથે સંકળાયેલા મહિલા અને પુરૂષો સ્થાનિક મંડળીને દુધ આપે છે. મંડળીઓ આ દૂધના જથ્થાને મોટી ડેરી સુધી પહોંચાડે છે. ડેરી દૂધનું પેકિંગ કરી સ્થાનિક બજારમાં વેચાણ કરે છે.જયારે અમુક દૂધનો જથ્થો અન્ય રાજયોમાં જરૂરિયાત મુજબ પહોંચાડે છે.જો કે અમુક દૂધનો જથ્થો ડેરી સુધી પહોંચતા પહેલા ફેરિયા, વેપારીઓ પણ લઈ લઈ લેતા હોય છે.આ મહિલા મંડળીમાં પ્રમુખથી લઇને કર્મચારી સુધી દરેક પદે મહિલાઓ જ સંચાલન કરે છે. આ સાથે સ્વાવલંબી ગ્રામીણ નારી યોજના થકી બહેનો પગભર પણ થઇ રહી છે.

