નર્મદા: નર્મદા જિલ્લાના સાગબારાના કોલવાણ ગામે પિતા સાથે ખેતરમાં ગયેલી દીકરીને દીપડો ખેતરમાં ખેંચી ગયો હતો. વધુ પડતાં રકતસ્ત્રાવના કારણે દીકરીનું મોત થયું હતું. આ ઘટનાની શાહી સુકાઇ નથી તેવામાં સાકવા અને ભાણન્દ્રા સહિતના ગામોમાં દિપડાએ દેખા દેતાં લોકોમાં ભય ફેલાયો છે. ગામલોકોની ફરિયાદ છે કે, ગોરા ફીડરમાંથી અપાતો વીજપુરવઠો બંધ કરી દેવાતો હોવાથી ગરમીથી બચવા માટે લોકો ઘરોની બહાર ઉંઘે છે તેવામાં દિપડાના હૂમલાનો ભય વધી ગયો છે.

Decision News ને મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં દીપડાઓની સંખ્યા વધી રહી છે અને તે ખોરાક -પાણીની શોધમાં રહેણાંક વિસ્તારમા આવી જાય છે.ગરુડેશ્વર તાલુકામાં આવેલ મોટીરાવલ ગ્રુપ ગ્રામપંચાયતમાં આવતા સાંકવા અને ભાણન્દ્રા સહિતના વિસ્તારોમાં છેલ્લા બે મહિનાથી બે દીપડાઓના આંટાફેરા ખૂબ જ વધી ગયાં છે.

તાજેતરમાં ગામમાં રહેતા કુતરા અને બકરાનું પણ મારણ કર્યું હોવાથી ગામના લોકો ખૂબ જ ગભરાઈ ગયા છે. સરપંચ સુનીતા તડવી એ ગોરા રેન્જમાં લેખિત રજુઆત કરી પાંજરા મુકવા માંગ કરી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, જીઈબી પણ ઘરમાં આવતી લાઈટ રાત્રીના બંધ કરી દે છે. વીજકર્મીઓ લાઇનમાં ફોલ્ટ છે તેમ કહી હાથ અધ્ધર કરી રહયાં છે.ગરમીમાં રાત્રિના સમયે અમે લોકો બહાર સુવા જાય ત્યારે દીપડાનો ખતરો છે.