રાજપીપળા: પોતાની જ પાર્ટી અથવા સરકારી બાબૂઓ પર નીડર અને બેબાક અંદાજમાં નિવેદન આપતા આદિવાસી ભાજપ સાંસદ મનસુખ વસવાએ ગઇકાલે રાજપીપળામાં ભાજપ કાર્યાલય કમલમમાં લોકમાતા અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતીની ઉજવણી પ્રસંગે વિકાસના કાર્યો પર સવાલો ઉઠાવતા કહ્યું કે, આપણા સરપંચે બનાવેલો રસ્તો 6 મહિનામાં તૂટી જાય તો આપણે કોના પર આક્ષેપ કરવાના ?
આપણું શાસન છે અને CC રોડ 5 મહિના પણ ન ટકે એવા રસ્તા બનાવવામાં આવે છે. એક ગામમાં હું ભજન કાર્યક્રમમાં ગયો હતો અને પૂછ્યું કે આ CC રોડ ક્યારે બનાવડાવ્યો? તો જવાબ આપ્યો કે 6 મહિના થયા, પૂછ્યું કે કોણે બનાવ્યું તો કહ્યું કે, સરપંચે. શું કરવાનું પછી, બીજા પર શું આક્ષેપ કરવાના. આ રોડ કોંગ્રેસ, BTP કે આમ આદમી પાર્ટીએ નથી બનાવ્યા, આપણે બનાવ્યા છે, હું ટકોર કરીશ તો કોંગ્રેસને કે નહીં કરું, આપણી પાર્ટીને જ કરીશ. કારણ કે સરપંચો આપણાં છે. પણ કોને દોષ દેવો? શરમ આવવી જોઈએ.
મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રોની સંડોવણી સામે આવતા મનસુખ વસાવાએ નામ લીધા વિના પ્રહારો હતા. તેમણે કહ્યું કે, આપણા કાર્યકરો મનરેગા કૌભાંડ કરે એ ન ચલાવી લેવાય. આપણે ભાજપને કોંગ્રેસના હવાલે સોંપી દેવાનું છે? અમે ભાજપ ઉભું કર્યું છે અને આજકાલ ના નેતાઓ એ નથી વેક્યું તે સમયે કોંગ્રેસના નેતાઓ એ માથા ફોડ્યા છે. અને આજે કોંગ્રેસના નેતાઓ આપણા પર હાવી થાય છે. નાના-મોટા કોન્ટ્રાક્ટના કામોમાં કોંગ્રેસીઓ જ દેખાય છે. ભાજપનો કોઈ કાર્યકર્તા બિઝનેસ કરે તેને સમર્થન છે. આપણા સરપંચે બનાવેલો રસ્તો 6 મહિનામાં તૂટી જાય તો આપણે કોના પર આક્ષેપ કરવાના?
મનસુખ વસાવાએ પણ સ્વીકાર્યું કે મનરેગામાં ઘણી જગ્યાએ ગુણવત્તા વિનાના પણ કામો થયા છે. તેમણે કહ્યું કે પેહલાની સરકારમાં પેપર પર કામ થતા હતા, આજની સરકારમાં કામો થાય છે, પરંતુ ચોક્કસ ગુણવત્તા જળવાતી નથી. કેટલીક એજન્સીઓ ઓછા ભાવે ટેન્ડર ભરે છે અને કામમાં પણ કાળજી રાખતા નથી. મનરેગા ટેન્ડર પ્રક્રિયામાં સુધારો થવો જોઈએ. આપણાં લોકોની કે અન્ય કોઈની એજેન્સીએ કરેલા કામોની તપાસ થવી જોઈએ. ભરૂચ જિલ્લા અને નર્મદા જિલ્લાને ટાર્ગેટ કરીને બદનામ કરવામાં આવે છે. જ્યાં પણ ખોટું કામ થયું હોય ત્યાં તપાસ થવી જોઈએ.
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની સ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરતા મનસુખ વસાવાએ કહ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ટપોરી જેવા લોકો આપણા પર હાવી થાય છે. ડેડિયાપાડામાં ભીલિસ્તાનની માગણી કરનારા લોકો આપણા પર રાજ કરે. આપણા સમયમાં વિકાસના કામો નથી થયા એવું કહે છે. તો પણ આપણા કાર્યકર્તાઓ મૌન છે.
આ કાર્યક્રમમાં મનસુખ વસાવા, સુરતના પૂર્વ મેયર હેમાની બોઘાવાલા, ધારાસભ્ય ડૉ.દર્શના દેશમુખ, ભાજપ અધ્યક્ષ નીલ રાવ, હર્ષદ વસાવા સહિત આગેવાનો સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તા હાજર રહ્યા હતા. સાંસદ મનસુખ વસાવાએ વિપક્ષો સાથે પોતાના પક્ષ પર પણ જબરદસ્ત પ્રહાર કર્યા હતા. મનરેગા કૌભાંડ મુદ્દે તેમણે પોતાના જ પક્ષના કાર્યકર્તાઓને આડે હાથ લીધા હતા.

