નવસારી: નવસારી શહેરમાં લમ્પી વાયરસે ફરી માથું ઊંચક્યું છે. શહેરના શાંતાદેવી, જલાલપોર સહિતના વિસ્તારોમાં રખડતી ગાયોમાં આ વાયરસના લક્ષણો જોવા મળ્યા છે. રામજી મંદિર ગ્રૂપે 4 સંક્રમિત ગાયોને રેસ્ક્યુ કરીને પાંજરાપોળમાં ખસેડી છે. આ ગાયોને શીતાદેવી રોડ અને બનાસ ગૌશાળામાં રાખીને સારવાર આપવામાં આવી રહી છે. પશુપાલન વિભાગની ટીમે સંક્રમિત ગાયોના લોહી, ચામડી અને નાકના સ્વેબના નમૂના લઈને અમદાવાદની લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા છે.
પાંજરાપોળમાં રાખવામાં આવેલી ત્રણ ગાયોની સ્થિતિમાં સુધારો થયો છે, જ્યારે એક ગાયની સ્થિતિ ગંભીર છે. લમ્પી વાયરસના કારણે ગાયોના શરીર પર ગૂમડાં થાય છે અને તેમનું તાપમાન 110 ડિગ્રી સુધી પહોંચી જાય છે. સંક્રમિત પશુઓ ખોરાક લેવાનું ઓછું કરી દે છે.
નાયબ પશુપાલન નિયામક ડૉ. એમ.સી. પટેલે જણાવ્યું કે આ રોગ અત્યંત ચેપી છે. તેમણે પશુપાલકોને અપીલ કરી છે કે જો તેમના પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો દેખાય તો તાત્કાલિક પશુ દવાખાને લઈ જાય. પશુ દવાખાનામાં લમ્પી વાયરસની તમામ દવાઓ ઉપલબ્ધ છે. ઉલ્લેખનીય છે કે આ વાયરસ છેલ્લે 2021માં કોરોના કાળ દરમિયાન જોવા મળ્યો હતો. ત્રણ વર્ષ બાદ ફરી એકવાર નવસારી જિલ્લામાં તેણે દેખા દીધી છે.

