અંકલેશ્વર: અંકલેશ્વર ક્રાઇમ બ્રાન્ચે પેટ્રોલિંગ દરમિયાન એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસને બાતમી મળી હતી કે નેત્રંગ પોલીસ મથકની હદમાં ચોરાયેલી એક્ટીવા (GJ-16-EC-7315) સાથે એક શખ્સ રાજપીપળા ચોકડી વિસ્તારમાં ફરી રહ્યો છે.
બાતમીના આધારે પોલીસે શિવા મુર્થી ચોટીનાયક (30)ની ધરપકડ કરી. Decision News ને મળતી માહિતી મુજબ આરોપી હાલ પીપોદરા, માંગરોળ (સુરત)માં રહે છે. પૂછપરછ દરમિયાન એક મોટો ખુલાસો થયો. આરોપીએ તેના સાગરીતો સાથે મળીને પીપોદરા નજીક એક કાર ચાલકને શિકાર બનાવ્યો હતો.
આરોપીઓએ કાર ચાલક પંક્ચર કરાવી રહ્યો હતો, ત્યારે તેની કારમાંથી 14 લાખ રૂપિયા ભરેલી બેગની ચોરી કરી હતી. પોલીસે આરોપીને બી ડિવિઝન પોલીસને સોંપ્યો છે. આ કેસમાં અન્ય ત્રણ આરોપીઓ હજુ ફરાર છે, જેમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

