ભરુચ: થોડા દિવાસોથી દાહોદમાં મનરેગા કૌભાંડનો મુદ્દો ચર્ચામાં છે ત્યારે હવે દાહોદ પછી ભરૂચ જીલ્લાના 56 ગામોના વિકાસ કાર્યોમાં 7.30 કરોડના કૌભાંડની તપાસ માંગવામાં આવી છે. ભરૂચ જીલ્લાના આમોદ, જંબુસર અને હાંસોટ તાલુકામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે.

વિકાસ કાર્યોના કામમાં ગુણવત્તાના અભાવ સાથે માનવશ્રમના ઉપયોગ વગર યાંત્રિક કાર્યો કરાયાની ફરિયાદ નોંધાઈ છે. મેટલ રસ્તા પર મેટલનો ઓછો વપરાશ કરી ઓછી ગુણવત્તાના રસ્તા બનાવી સરકાર પાસેથી પૈસા પડાવી લેવાયા છે. સરકારી કર્મચારી અને અધિકારીઓના મેળાપીપણાના ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મદદનીશ પ્રાયોજના અધિકારી પ્રતિક ચૌધરીએ ગુનો દાખલ કરાવ્યો છે.

હાલમાં Decision News ને મળેલી જાણકારી મુજબ વેરાવળની બે એજન્સીઓ જલારામ એન્ટરપ્રાઈઝ અને મુરલીધર એન્ટરપ્રાઈઝ સામે ફરિયાદ દાખલ કરાઈ છે.આ બંને એજન્સીઓના પ્રોપરાઈટર પિયુષ નુકાણી અને જોધા સભાડ સામે નામ જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.