નર્મદા: નર્મદાના સાગબારા તાલુકાના કોલવાણ ગામની સીમામાં 29 મેની સાંજે થયેલી એક ભીષણ અને કમકમાટીભરી ઘટનાએ સમગ્ર પ્રદેશ સ્તબ્ધ અને શોકમાં ડુબા દીધો છે. જંગલી દીપડાએ ગામની 9 વર્ષની નિર્દોષ બાળકી શ્રેયલ વસાવાને ઉઠાવી જઈ મોતને ઘાટ ઉતારી દીધી હતી, જેના લીધે લોકોમાં તીવ્ર આક્રોશ અને ભયનું વાતાવરણ છવાયું છે.Decision News ને મળતી માહિતી મુજબ ગતરોજ સાંજે કોલવાણ ગામના વિશાલભાઈ વસાવા અને તેમની પત્ની સ્મિતાબેન શેરડીના ખેતર પાસે ઘાસ કાપવા ગયા હતા. તેમની સાથે તેમની બે દીકરી કોડબા ખાતે ધોરણ 4માં ભણતી 9 વર્ષીય શ્રેયલ અને 4 વર્ષીય પ્રાંજલ પણ હતી. માતા-પિતા કામમાં રોકાયેલા હતા ત્યારે, સ્મિતાબેનની નજર સામે ઓચિંતા જ એક દીપડાએ શ્રેયલને ઉઠાવી લીધી અને શેરડીના શેડાપાડામાં ઘસડી ગયો.જો કે શરૂઆતમાં સ્મિતાબેનને ખ્યાલ ન આવ્યો કે તે દીપડો જ છે અને તેમણે શંકા વ્યક્ત કરી કે કોઈ રાહદારીઓએ બાળકીને ઉઠાવી લીધી હશે.

પરંતુ, ગામમાં આ વાત ત્વરિત ફેલાતાં લોકો એકઠા થયા. ગામલોકો, ખાસ કરીને રાજુભાઈ ડિંગબર પાડવી, સુભાષભાઈ પાડવી, મિતેષભાઈ અને રાણીપુર ગામના રાજુભાઈએ શેરડીના ખેતરમાં હિંમતભેર શોધખોળ શરૂ કરી.રાજુભાઈ ડિંગબરે લોહીનાં ડાઘ જોયા અને તેને અનુસરતાં શ્રેયલને બેભાન અવસ્થામાં શોધી કાઢી. તે સમયે દીપડો પણ તેની નજીક જ હતો. ત્યાર બાદ તેઓએ તેને દીપડાની નજીકથી ઉઠાવી લીધી અને તાત્કાલિક સાગબારા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી. કમનસીબે, દીપડાએ પહોંચાડેલા ગંભીર ઘાવોને કારણે સારવાર દરમિયાન જ શ્રેયલનું મૃત્યુ થઈ ગયું હતું.બાળકીના કમકમાટીભર્યા મૃત્યુને લઇ લોકોનો રોષ ભભૂકી ઉઠયો હતો. લોકોએ સાગબારા પોલીસ સ્ટેશન સામે રસ્તો રોકીને આંદોલન કર્યું હતું.

વારંવારના આવા (પાલતુ પ્રાણીઓ અને માનવીઓના) હુમલાઓ થવાથી લોકો જંગલખાતા પર તીવ્ર ફિટકાર વરસાવી રહ્યા છે.લોકોનો આરોપ છે કે જંગલખાતું આ સમસ્યાનું સ્થાયી નિરાકરણ કરવામાં નિષ્ફળ રહ્યું છે, વારંવાર આવા બનાવો બને છે અને માત્ર પાંજરા મૂકવા જેટલું જ કામ કરે છે.આ ભયના કારણે ખેતીનું કામ કરવું, ખેતરોનું રક્ષણ કરવું અને રાત્રે એકલા રસ્તે ચાલવું મુશ્કેલ બની ગયું છે. લોકો સામે “ખેતીમાં કામ કેવી રીતે કરવું?” અને “રાહદારીઓ કેવી રીતે સુરક્ષિત રીતે જઈ શકે?” જેવા પ્રશ્નો ઉભા થયા છે.સ્થાનિક પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને દીપડાને પકડવા તેમજ આ સમસ્યાને નિયંત્રિત કરવા જંગલખાતાના અધિકારીઓને સૂચિત કર્યું છે.

સ્થાનિક પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને દીપડાને પકડવા/નિયંત્રિત કરવા જંગલખાતાના અધિકારીઓને સૂચિત કર્યું છે.જોકે, ગુસ્સાથી ભરેલા અને દુઃખી લોકો સ્થાયી ઉકેલની માગ કરી રહ્યા છે. તેઓ ચોક્કસપણે જણાવે છે કે વારંવારના આવા કરુણ બનાવો અને જીવહાનિ પછી માત્ર તાત્કાલિક પગલાંઓ જેવા કે પાંજરા મૂકવા એટલું પૂરતું નથી. નિર્દોષ બાળકી શ્રેયલ જીવન ગુમાવવું પડયું. આ ઘટના આ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ અને માનવ વસાહતો વચ્ચેના સંઘર્ષની ગંભીરતા તથા તેના તાત્કાલિક અને અસરકારક નિરાકરણની આવશ્યકતા ઉજાગર કરે છે.