વલસાડ: વલસાડ જિલ્લામાં સોમવારે મોડી રાત્રે કમોસમી વરસાદ પડયો છે. રાજ્ય હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્ર અને રાજસ્થાન ઉપર લોપ્રેસર સક્રિય થવાથી 29મી મે સુધી વરસાદની શક્યતા છે. સવારે 6 વાગ્યા સુધીમાં ઉમરગામ તાલુકામાં સૌથી વધુ 13 મિમી વરસાદ નોંધાયો છે. પારડી તાલુકામાં 1 મિમી વરસાદ થયો છે.

અન્ય તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો નથી. મે માસમાં અત્યાર સુધીમાં ઉમરગામમાં સૌથી વધુ 152 મિમી, ધરમપુરમાં 139 મિમી, વાપીમાં 117 મિમી, વલસાડમાં 109 મિમી, કપરાડામાં 104 મિમી અને પારડીમાં 73 મિમી વરસાદ નોંધાયો છે.તાપમાનની વાત કરીએ તો ધરમપુરમાં મહત્તમ 32 ડિગ્રી, વલસાડ, પારડી, વાપી અને ઉમરગામમાં 31 ડિગ્રી જ્યારે કપરાડામાં 30 ડિગ્રી તાપમાન રહેશે.

લઘુત્તમ તાપમાન કપરાડામાં 24 ડિગ્રી, ધરમપુરમાં 26 ડિગ્રી અને વાપીમાં 27 ડિગ્રી રહેશે.મીની વાવાઝોડાની અસરથી પારડી તાલુકાના સુખેશ ગામમાં વીજળી પડવાથી 4 ભેંસ ઈજાગ્રસ્ત થઈ છે. જિલ્લામાં કુલ 17 પાકા મકાનો અને 1 કાચા મકાનને આંશિક નુકસાન થયું છે. વલસાડ તાલુકામાં 9, ધરમપુર અને ઉમરગામમાં 2-2 અને પારડી તાલુકામાં 4 મકાનોને નુકસાન થયું છે.