વલસાડ: વલસાડ જિલ્લામાં ગત મોડી રાત્રે કમોસમી વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. રાજ્ય હવામાન વિભાગે અરબી સમુદ્ર અને રાજસ્થાન ઉપર લોપ્રેસર સક્રિય થવાને કારણે 28મી મે સુધી કમોસમી વરસાદની આગાહી કરી છે.

Decision News ને મળેલ માહિતી મુજબ ગત રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધીમાં વલસાડ તાલુકામાં 49 મિમી, ઉમરગામમાં 46 મિમી, ધરમપુરમાં 26 મિમી, કપરાડામાં 14 મિમી, પારડીમાં 12 મિમી અને વાપીમાં 19 મિમી વરસાદ નોંધાયો છે. મે માસમાં અત્યાર સુધી ધરમપુર અને ઉમરગામમાં 139 મિમી, વાપીમાં 117 મિમી, વલસાડમાં 109 મિમી, કપરાડામાં 104 મિમી અને પારડીમાં 72 મિમી વરસાદ થયો છે.આજે પારડી તાલુકામાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી રહેશે. વલસાડ, વાપી, ધરમપુર અને ઉમરગામમાં 31 ડિગ્રી જ્યારે કપરાડામાં સૌથી ઓછું 30 ડિગ્રી તાપમાન રહેશે. લઘુત્તમ તાપમાન કપરાડામાં 25 ડિગ્રી, વલસાડ-ધરમપુરમાં 26 ડિગ્રી અને અન્ય તાલુકાઓમાં 28 ડિગ્રી રહેશે.

કમોસમી વરસાદ અને વાવાઝોડાની અસરથી કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.દરમિયાન વીજ કર્મચારીઓએ તાત્કાલિક કામગીરી શરૂ કરી હતી.સંઘ પ્રદેશ દમણમાં પણ મોડી રાત્રે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.