ધરમપુર: ધરમપુરનાં બારોલીયાની દીકરીની રજા પૂર્ણ થતાં એસટી બસ મારફતે દાંતીવાડા કોલેજમાં પરત જતી વખતે તબિયત ખરાબ થતા બસ કંડકટર અને ડ્રાઇવરે સારવાર અપાવી માનવતા મહેકાવી હતી. સારવારમાં થયેલા આશરે એક કલાક વિલંબમાં મુસાફરોએ પણ સહકાર આપી રાખેલી ધીરજથી દિકરીનાં પિતાએ બસ ચાલક, કંડકટર તથા પોલીસ સ્ટાફ માટે આભારની લાગણી વ્યકત કરી હતી.
Decision news ને મળેલી માહિતી મુજબ બારોલીયાનાં ગણેશભાઇ બિરારીની દાંતીવાડામાં કમ્યુનિટી સાયન્સમાં અભ્યાસ કરતી દીકરી ભૂમિ બિરારી ઘરે આવી વેકેશન પૂર્ણ થતાં ધરમપુર ડેપો પરથી ધરમપુર-ઉંઝા બસમાં પરત દાંતીવાડા જવા નીકળી હતી. આ દરમ્યાન કામરેજમાં તેણીને અચાનક પેટમાં દુખાવો થતા પિતાને ટેલિફોનિક જાણ કરી હતી.
ત્યારબાદ ચાલુ બસમાં તેણી પડી જતા માથામાં સામાન્ય ઇજા થઇ હતી. વ્યવસ્થાનાં ભાગરૂપે પિતાએ ધરમપુર ડેપો મેનેજરને માહિતગાર કરી કંડકટર સાથે પણ ટેલિફોનિક વાત કરી હતી. ડેપો મેનેજર ભૂમિકાબેન પટેલે કંડકટરને 108 એમ્બ્યુલન્સ બોલાવી જરૂરી સારવાર માટે માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ તેણીને 108 એમ્બ્યુલન્સ બોલાવી પ્રાથમિક સારવાર અપાવી કઠોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવી હતી. આશરે એક કલાકની સારવારને અંતે સ્વસ્થ થતા તેણીને બસમાં ફરી બેસાડી બસ આગળ જવા નીકળી હતી.
ધરમપુરનાં જામલીયાનાં અને કામરેજ પોલીસ મથક ફરજ બજાવતા પીએસઆઇ આનંદભાઇ ચૌધરીને પણ ઓળખાતા હોવાથી પિતાએ જાણ કરતા પોલીસ સ્ટાફ પણ પીએસીસીમાં પહોંચી સહાયરૂપ થયા હતાં. દીકરી સ્વસ્થ થતા રાહત અનુભવનારા ગણેશભાઇ બિરારીએ પોલીસ, બસ ચાલક,કંડકટર અને ધીરજ રાખનારા મુસાફરોનો આભાર વ્યક્ત કર્યો હતો.

