નવસારી: નવસારી જિલ્લાના નેશનલ હાઇવે-48 પર આવેલા ધારાગીરી ગામની જૈન સમાજ દ્વારા સંચાલિત તપોવન સંસ્કાર ધામમાં ધોરણ-9માં અભ્યાસ કરતા 13 વર્ષીય વિદ્યાર્થીનું ભેદી સંજોગોમાં મોત થયું છે. પરિવારે સંસ્કાર ધામ પર બેદરકારીનો આક્ષેપ કર્યો છે, જોકે સામા પક્ષે સંસ્થાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીને છાતીમાં દુખાવો ઊપડતાં હોસ્પિટલ લઈ જતાં વચ્ચે રસ્તામાં જ મોત થયું હતું.
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, મૂળ મધ્યપ્રદેશના ખેતિયા ગામના રહેવાસી અને નવસારીની તપોવન સંસ્કાર ધામમાં ધોરણ-9માં અભ્યાસ કરતા મેઘ સચિનભાઇ જૈન નામના 13 વર્ષીય વિદ્યાર્થીનું ગઇકાલે (તારીખ 25/05/2025) રોજ મોત થયું હતું. આ મામલે મૃતકનાં પરિવારજનોએ સંસ્થા પર બેદરકારીનો આક્ષેપ કર્યો છે.આ અંગે તપોવન સંસ્કાર ધામના મેનેજર ગંગાધર પાંડે જણાવ્યું હતું કે આ સંસ્થા છેલ્લાં 35 વર્ષથી કાર્યરત છે.
છેલ્લાં 10-12 વર્ષથી હું અહીં નોકરી કરું છું. આ સંસ્થામાં 300થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ગઇકાલે મેઘ નામના 13 વર્ષીય વિદ્યાર્થીને છાતીમાં દુખાવો ઊપડતાં તાત્કાલિક હોસ્પિટલ લઇ જવા નીકળ્યા હતા, જોકે રસ્તામાં જ વિદ્યાર્થીએ અંતિમ શ્વાસ લીધા. વિદ્યાર્થીનાં પરિવારજનો સંસ્થામાં આવ્યાં હતાં અને અમારા કર્મચારીઓ સાથે માથાકૂટ કરી હતી.આ કેસની તપાસ કરતાં PSI કે.એમ પાટીલે જણાવ્યું હતું કે મૃતક બાળકના વિસેરા લઈને FSLમાં મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ તેના મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે, આ મામલે હાલ તપાસ ચાલુ છે.

