સુરત: સુરતમાં તાવ ઝાડા-ઉલટી બાદ મોતનો સીલસીલો યથાવત્ રહેવા પામ્યો છે. ઉધના વિસ્તારમાં તાવ બાદ તબિયત લથડતા 20 વર્ષીય પરિણીતાનું મોત નીપજ્યું હતું. જ્યારે પાંડેસરા વિસ્તારમાં ત્રણ વર્ષીય બાળકીએ તાવ અને ઉલટી બાદ દમ તોડી દીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, વરસાદના માહોલ વચ્ચે રોગચાળાના કારણે તાવ, ઝાડા-ઊલટી સહિતના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.
પહેલા બનાવમાં, સુરતના ઉધના વિસ્તારમાં આવેલા સંજય નગરમાં 20 વર્ષીય આસમા કામિલ અન્સારી પરિવાર સાથે રહેતી હતી. પરિવારમાં પતિ એક દીકરો અને એક દીકરી છે. પતિ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે. આસમાની ગતરોજ ઘરે જ તબિયત લથડી હતી, તેથી તેને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેને દાખલ કરી સારવાર આપવામાં આવી રહી હતી, દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
બાળકી બપોરે જમીને સૂઈ ગઈ હતી: બીજા બનાવમાં, મૂળ યુપીની અમેઠી અને સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણેશનગરમાં ત્રણ વર્ષની જાનવી સોનું ગૌડ પરિવાર સાથે રહેતી હતી. પિતા સુપરવાઇઝર તરીકે કામ કરે છે. ગતરોજ બપોરે જમીને સૂતા બાદ જાગતાની સાથે જ ઊલટીઓ કરવા લાગી હતી, જેથી તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ તપાસીને જાનવીને મૃત જાહેર કરી હતી.
3 વર્ષીય દીકરીના મોતના પગલે પરિવારમાં શોક: જાનવીને છેલ્લા બે દિવસથી તાવ આવી રહ્યો હતો. સતત બે દિવસથી બીમાર રહેતી જાનવીની દવા મેડિકલ સ્ટોરમાંથી લેવામાં આવેલી હતી. દરમિયાન જાનવીની તબિયત વધુ લથડતા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા મૃત જાહેર કરાઈ હતી. ત્રણ વર્ષીય દીકરીના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો.

