ધરમપુર: આજરોજ નાની ઢોલડુંગરી ગામના એક ગરીબ પરિવારજનોના પૂર્વજો દ્વારા સરકારી હોસ્પિટલ બનાવવા દાનમાં આપેલી જમીનના ટુકડાને બદલે સરકારી તંત્ર દ્વારા આખી જમીન સરકારી બતાવી દેતા પરિવારને થયેલા અન્યાય માટે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા વલસાડ કલેકટરને રજૂઆત કરાઈ હતી.
ધરમપુર તાલુકાના નાની ઢોલડુંગરી ગામમાં આવેલ સરકારી હોસ્પિટલની જમીન વિનય પટેલ અને એમના પૂર્વજ પરિવારજનોએ સદભાવના અને આસપાસના પંથકના લોકોની સુખાકારીનો ઉત્તમ વિચાર કરીને પોતાની જમીનમાંથી ટુકડો કરી દાનમાં આપેલ.આ ગરીબ પરિવારના પૂર્વજો અભણ અને ગરીબ હોવા છતાં એમણે દાખવેલી દિલદારી જ એમના વંશજો માટે અભિશ્રાપ બની ગઈ.હાલમાં કોઈક સરકારી કર્મચારીની બેદરકારીને લીધે સરકારી હોસ્પિટલના બાંધકામ માટે દાનમાં આપેલ ટુકડાને બદલે આખી જમીન જ સરકારી બતાવી દઈ પરિવારજનો માટે લેંડ ગ્રે્બિંગ જેવી પરિસ્થિતિ સર્જેલ છે.અને દુઃખદ બાબત એ છે કે ધરમપુર મામલતદાર દ્વારા ડિમોલીશનનું ફરમાન પણ બહાર પાડી દેવામાં આવ્યું છે.પરિવારજનો દ્વારા આરટીઆઈ કરીને ગ્રામપંચાયત અને મામલતદાર કચેરીમાંથી ઉતારાઓની નકલ માંગવામાં આવેલ છે જે ઉપલબ્ધ નથી એવું જણાવવામાં આવેલ છે તેમ છતાં ખાતેદારના કબ્જાની જમીન સરકારી બતાવી દઈ ડિમોલીશનનો ઓર્ડર બહાર પાડવામાં આવ્યો હતો.
આ બાબતે Decision News સાથેની વાતચીતમાં SAS નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે પરિવારજનોએ થોડા સમય પહેલા અમારી રૂબરૂ મુલાકાત લઇ આખી માહિતી દસ્તાવેજી પુરાવા સહિત વિગતે જણાવી પોતાનું દુઃખ વર્ણવ્યું હતું.દસ્તાવેજો જોતા પરિવાર સાથે ચોખ્ખો અન્યાય થયો હોવાનું માલુમ પડી આવેલ છે તેમછતા આવો અન્યાય દિલ દહેલાવનાર છે.આતો એવું થયું કે ધરમ કરતા ધાડ પડી.હાલમાં ઘણીવાર ગરીબ અને લાચાર લોકો માટે તંત્ર એટલી હદે નિષ્ઠૂર બન્યું છે કે લોકોને થતાં અન્યાયથી હૃદય કકળી ઉઠે છે તેમ છતાં લોકોના હક અધિકારોનું રક્ષણ કરવા બેસેલા લોકોના પેટનું પાણી કેમ નથી હાલતુ તે નથી ખબર પડતી.અને ગરીબ,કાયદાકીય રીતે અજ્ઞાન,લાચાર લોકો આ બાબતે વધારે જાણકારી નહીં ધરાવતા હોવાથી કાયદાકીય બાબતોમાં સમયસર કાર્યવાહી કરાવડાવવામાં ચૂક કરી જાય છે જેના લીધે આ પરિવારની માફક છતી પોતાની જમીને જમીનવિહોણા અને કામધંધાવિહોણા અને લાચાર-નિસહાય બની જાય છે.
વધુમાં કહ્યું કે અત્યારે હાલમાં ભલે ધરમપુર પ્રાંત અધિકારી દ્વારા 5 મી જૂન સુધીમાં નિર્ણય લેવાનું કહેવામાં આવ્યું છે પરંતુ આ નિર્ણય વિવેકબુદ્ધિથી કુદરતી ન્યાયના સિદ્ધાંતોને ધ્યાને લઇ ગરીબ પરિવારને વર્ષોથી થઇ રહેલા અન્યાયને દૂર કરવા સંબંધમાં નિષ્પક્ષ લેવાય તો ઘણું સારુ રહેશે.કારણકે દુનિયાભરના દબાણો અને અનેક ગેરકાયદેસર બાંધકામો નીતિનિયમોને બાજુએ મૂકી બેફામપણે નિત્યક્રમમાં બની રહ્યા છે અને પોતાની જ જમીનમાં માંડ રોજીરોટી કમાતા ગરીબ પરિવારને બળજબરીથી ખદેડવાની બાબત ખુબ જ પીડાદાયક છે.કલેકટરશ્રી પાસેથી અમને ખુબ જ આશા છે કે આ ગરીબ પરિવારને ન્યાય મળે અને તંત્ર અગાઉના સમયમાં કોઈ કર્મચારી દ્વારા થયેલી ભૂલ સુધારી સારા કામ માટે પોતાની જમીન દાનમાં આપનાર પરિવારજનોને એમનો હક કાયદાકીય રીતે પરત આપે.

