સુરત: સુરત શહેરમાં ગત રાત્રિના ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પડયો હતો. જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા ખોડીયાર માતાજીના મંદિર પાસે લગ્ન મંડપ વાવાઝોડાની ઝપેટમાં આવી જતા ધરાશાયી થયો હતો. વરસાદ અને ભારે પવનના કારણે મંડપમાં નુકસાન થયું છે. જોકે સદનસીબે કોઈ જાનહાની નોંધાઈ નથી. રાત્રિના ફૂંકાયેલા ભારે પવન દૃશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયાં હતાં.
જહાંગીરપુરા ખોડીયાર માતાના મંદિર નજીક એક પરિવારનો લગ્નનો કાર્યક્રમ હોવાથી મંડપ બાંધવામાં આવ્યા હતા. લગ્નની જાણ તમામ લોકોને કરવામાં આવી હતી, પરંતુ લગ્નના થોડા સમય બાદ અચાનક ભારે પવન શરૂ થયો હતો. પવન એટલો તીવ્ર હતો કે, મંડપના કાપડ અને સ્ટ્રક્ચર તૂટી પડયા હતા અને આખો મંડપ જમીનદોસ્ત થઈ ગયો હતો.
મંડપમાં લાગેલા ડેકોરેશનની સામગ્રી, સ્ટેજ, લાઈટિંગ સહિતના અન્ય સાધનોને પણ ભારે નુકસાન થયું છે. પવન સાથે વરસાદ વરસતા સ્થિતિ વધુ બગડી હતી. લોકોના જણાવ્યા મુજબ, ત્યાં હાજર ઘણા લોકોએ સમયસર સ્થળ છોડયું હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. અકસ્માત સમયે ત્યાં કોઈ હાજર ન હોવાને કારણે કોઈને ઈજા થઈ નથી.
લોકો તથા પંડાલ વ્યવસ્થાપન કરતી ટીમે મંડપના નુકસાનના આંકલનનો આરંભ કર્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી કલાકોમાં પવનની ઝડપમાં વધારો થઈ શકે છે અને વરસાદની તીવ્રતા પણ વધુ શકે છે. તંત્ર દ્વારા સુરતના નાગરિકોને સલામતીના પગલાં લેવાની અપીલ કરવામાં આવી છે.

