નર્મદા:નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ( SOU ) ની સામે આદિવાસી સમાજની 34 દુકાનો અને 7 ઘરો પર બુલડોઝર ચલાવી તોડી પાડવામાં આવ્યા હતા અને રોજગારી છીનવી બેઘર બન્યા છે. જેથી નર્મદા જિલ્લાના કેવડિયા વિસ્તારમાં સ્થાનિક આદિવાસી સમાજની વેદના અને આક્રોશ હવે ઉગ્ર બની રહ્યો છે.

મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબર, 2018ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદ્ઘાટન સમયે આદિવાસી સમાજને સોનેરી સપનાઓ બતાવ્યા હતા. તેમણે ભાષણમાં જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટથી હજારો સ્થાનિકોને રોજગારી મળશે, લારી-ગલ્લા દ્વારા અડદની દાળ, રોટલા, જંગલમા ઉગતી ભાજીઓ (ખાટી ભાજી ) જેવી વાનગીઓનું વેચાણ થશે અને આદિવાસીઓનું જીવનધોરણ ઊંચું આવશે. પરંતુ, આ વાયદાઓ માત્ર હવાડામાં રહ્યા, અને આજે સ્થાનિક લોકો પોતાની જમીનો, રોજગારી અને આજીવિકા ગુમાવીને રસ્તા પર ભટકવા મજબૂર બન્યા છે.

આ સમયે સ્થાનિક ભાજપના નેતાઓ પણ કહેતા હતા કે આ વિસ્તામાં અકલ્પનીય વિકાસ થઈ રહ્યો છે, પરંતુ એ નહોતી ખબર કે આ વિકાસ આદિવાસીઓનો વિનાશ કરી નાખશે.જ્યારે જે નેતાઓ અકલ્પનીય વિકાસ, સોનાનો સૂરજ ઉગશે આદિવાસીઓનું આર્થિક રીતે જીવન ધોરણ ઊંચું આવશે અને નાની મોટી દુકાનો લારી ગલ્લા અને મકાઈ વેચીને પણ રોજગારી મેળવશે એવા સપનાઓ બતાવતા હતા એ નેતાઓ ક્યાં છે..?

ક્યાં સુધી આદિવાસીઓ સાથે થઈ રહેલા અન્યાય ને મૂકદર્શક બનીને જોતા રહેશો..??

શું આ છે સૌનો સાથ સૌનો વિકાસ..?

શું આ છે આત્મનિર્ભર ભારતની પરિકલ્પના? જ્યાં આત્મનિર્ભર બનેલા આદિવાસીઓની દુકાનો તોડી પાડી??