વલસાડ: વલસાડ જિલ્લાના વાપી બલીઠા વિસ્તારમાં રાષ્ટ્રીય હાઈવે-48 પર ગતરોજ રાત્રે અકસ્માત સર્જાયો હતો. પાણીની બોટલો ભરેલો ટેમ્પો (નંબર GJ 15 XX 7264) સુરત તરફ જતાં અચાનક બેકાબૂ થઈ અન્ય વાહન સાથે અથડાયો હતો.

Decision news ને મળેલી માહિતી મુજબ અકસ્માતમાં ટેમ્પો ચાલક સર્વિસ યાદવ (ઉંમર 40-45 વર્ષ)નું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ટક્કર એટલી જોરદાર હતી કે ટેમ્પોનો આગળનો ભાગ સંપૂર્ણપણે નાશ પામ્યો હતો.અકસ્માતના પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.

વાહનચાલકોને લાંબો સમય ટ્રાફિકમાં ફસાવું પડ્યું હતું. વાપી ટાઉન પોલીસ, 108 એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ટીમોએ ટ્રાફિક નિયંત્રિત કરી માર્ગ વ્યવહાર પુનઃ શરૂ કરાવ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો. પોલીસે અકસ્માતના કારણો શોધવા તપાસ શરૂ કરી છે.