વલસાડ: વલસાડ જિલ્લાની આંબાવાડીઓમાં આ વર્ષે કેરીના પાકને ત્રણ મોટા ફટકા પડયા છે. જિલ્લાની 37 હજાર હેક્ટર આંબાવાડીમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન સારું ફ્લાવરિંગ આવ્યું હતું. પરંતુ ફિમેલ ફ્લાવર કરતા મેલ ફ્લાવર વધારે હોવાથી ફલીકરણ ઓછું થયું છે.એપ્રિલ અને મે માસમાં પડેલા કમોસમી વરસાદ અને મીની વાવાઝોડાએ તૈયાર પાકને નુકસાન પહોંચાડ્યું. આ ઉપરાંત, ભારત-પાકિસ્તાન વચ્ચેની વર્તમાન પરિસ્થિતિને કારણે મુંબઈ અને દિલ્હી જેવા મહાનગરોના ફૂટ માર્કેટમાં માંગ ઘટી છે.

બજારમાં હાફૂસ કેરીના ભાવ 1300 રૂપિયા અને કેસર કેરીના 1100 રૂપિયા સુધી તૂટ્યા છે. બંને જાતની કેરીના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. રાજપુરી અને અન્ય કેરીઓના ભાવ પણ ગગડયા છે.વલસાડ જિલ્લા નાયબ બાગાયત નિયામકે ખેડૂતોને મહત્વપૂર્ણ સૂચનાઓ આપી છે. તેમણે પરિપક્વ કેરી તાત્કાલિક ઉતારી લેવા અને અપરિપક્વ કેરીની ડાળીઓને ટેકો આપવા જણાવ્યું છે.

વરસાદ દરમિયાન ઝાડ પર ન ચઢવા અને લણેલા પાકને સુરક્ષિત જગ્યાએ રાખવાની સલાહ આપી છે.કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંભેટી કપરાડા અને નવસારી કૃષિ યુનિવર્સિટીના માર્ગદર્શન મુજબ, આ સમયે જંતુનાશક દવા, નિંદામણનાશક દવા કે રાસાયણિક ખાતરનો ઉપયોગ ન કરવા સૂચવ્યું છે. જો એક સાથે મોટા પ્રમાણમાં કેરી બજારમાં આવશે તો ભાવ વધુ તૂટવાની શક્યતા છે.