ઉમરગામ: નંદીગામમાં કાર્યરત લાહોરી જીરા કંપનીનું પ્રદૂષિત પાણી ખુલ્લા ખેતરમાં છોડતા ભૂગર્ભ પ્રદૂષિત થવાના એંધાણને લઇ તા.પં. પૂર્વ પ્રમુખે સરીગામ જીપીસીબીને બીજી વાર લેખિત ફરિયાદ કરી છે. ઉમરગામ તાલુકાના નંદીગામમાં સર્વે નં.224 માં લાહોરી જીરા કંપની આવેલી છે.જે કંપની દ્વારા પ્રદૂષિત પાણી ખુલ્લા ખેતરોમાં છોડવામાં આવી રહ્યું હોય પશુ-પક્ષીઓના આરોગ્ય સામે જોખમ ઉભુ થયું છે.
પ્રદૂષિત પાણી ભૂગર્ભમાં ઊંડે ઊતરતા કુવા-બોરનાં પાણી પણ પ્રદૂષિત થવાના એંધાણ છે.જેથી ભવિષ્યમાં આ બોર-કૂવાનાં પાણી પીવાથી માનવ આરોગ્ય સામે ખતરો ઊભો થવાની ભીતિથી લોકોમાં ફડફડાટ છે.આ મામલે તંત્રમાં કોઈ આ અંગે તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ રમેશ ધાગડાએ સરીગામ જીપીસીબીને 23 એપ્રિલે રજૂઆત કરી હતી.જે રજૂઆત બાદ પણ જીપીસીબીએ સમસ્યા ન ઉકેલતા ફરી 19 મેના રોજ રજૂઆત કરી છે.
ઉમરગામ તાલુકા વિસ્તારમાં પ્રદૂષણનાં મુદ્દે તપાસમાં પાંગળી પુરવાર થયેલી જીપીસીબીની ટીમ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખની ફરિયાદને ગંભીરતાથી લેતી ન હોય જીપીસીબીના અધિકારીઓની ભૂમિકા શંકાના દાયરામાં આવી રહી છે.

