વલસાડ: વલસાડ જિલ્લામાં ગરમીનું જોર વધ્યું છે. જિલ્લાના છ તાલુકાઓમાં ધરમપુર તાલુકામાં સૌથી વધુ 34 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વલસાડ, પારડી, ઉમરગામ અને વાપીમાં 33 ડિગ્રી તાપમાન છે. કપરાડા તાલુકામાં 31 ડિગ્રી સાથે સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. રાજ્ય હવામાન વિભાગે 20મી મે સુધી કમોસમી વરસાદની આગાહી કરી છે.
વલસાડમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. વાદળછાયા વાતાવરણને કારણે બફારો વધ્યો છે.તાલુકાવાર લઘુતમ તાપમાનની વિગતો જોઈએ તો વલસાડમાં 28, ધરમપુરમાં 27, પારડીમાં 28, કપરાડામાં 25, ઉમરગામમાં 28 અને વાપીમાં 28 ડિગ્રી નોંધાયું છે. વહીવટી તંત્રે લોકોને બપોરે 12થી 5 દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી છે.
વહીવટી તંત્રે લોકોને સૂતરાઉ કપડાં પહેરવા અને વધુ પાણી પીવાની સલાહ આપી છે. દરિયાકિનારા નજીક હોવાથી વલસાડમાં થોડી રાહત રહે છે. કમોસમી વરસાદની આગાહીને પગલે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. લઘુતમ તાપમાન 28 ડિગ્રી સુધી પહોંચતા બફારામાં વધારો થયો છે.

