નાંદોદ: ચૈતર વસાવાએ એક ગંભીર મુદ્દા પર મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં પેરેલલ કાર્યાલય ખોલીને લોકોને બોગસ આવકના દાખલા કાઢી આપવામાં આવ્યા છે. તલાટીના સિક્કાઓ દ્વારા આ દાખલાઓ કાઢી આપવામાં આવ્યા છે. આ દાખલાઓના આધારે આજે નાંદોદ તાલુકામાં ઘણા લોકો રાઈટ ટુ એજ્યુકેશનના ફાયદા લઈ રહ્યા છે, પેન્શનનો લાભ લઈ રહ્યા છે અને બીજી કેટલીય સરકારી યોજનાઓનો લાભ લઈ રહ્યા છે.
છેલ્લા બે સપ્તાહથી તલાટીઓ દ્વારા આ મુદ્દે ફરિયાદ આપવામાં આવી છે પરંતુ પોલીસ પર અહીંયા ભાજપના જ કેટલાક સ્થાનિક નેતાઓનું દબાણ હોવાથી પોલીસ ખૂબ જ ધીમી ગતિએ કામ કરી રહી છે. જેટલા પણ આરોપીઓના નામ સામે આવ્યા છે તે તમામ ભાજપના માણસો છે માટે તેમના સુધી હજુ સુધી પોલીસનો હાથ પહોંચ્યો નથી. પોલીસ આ મુદ્દા પર તાત્કાલિક કડક તપાસ કરે એવી અમારી માંગ છે અને અમારી એવી પણ માંગ છે કે અગાઉના વર્ષોની પણ તપાસ કરવામાં આવે.
જે પણ લોકોએ આવા દાખલાઓ કાઢી આપ્યા છે અને જે લોકોએ આ દાખલાઓનો ઉપયોગ કર્યો છે તે તમામ લોકો વિરુદ્ધ કાયદેસરના કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી અમારી માંગ છે. જો આવનારા સાત દિવસમાં આરોપીઓને પકડવામાં નહીં આવે તો કલેકટર કચેરી અને એસપી કચેરી ખાતે અમે ઉગ્ર આંદોલન કરીશું.

