નવસારી: નવસારીના કાલીયાવાડીથી ગ્રીડ જતા માર્ગ પર એક મોપેડ ચાલકે ભર બપોરે પોતાની મોપેડ પર હેરતઅંગેજ સ્ટંટ કરતા કોઇ વાહન ચાલકે તેનો વિડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વહેતો કરતા પોલીસ પણ અજાણ્યા સ્ટંટ કરનાર યુવાનની સીસીટીવીના આધારે માહિતી મેળવવાની કોશીસ કરી રહી છે. નવસારીમાં ધૂમ સ્પીડ ઉપર વાહન હંકારતા કાર્યવાહી થઈ શકે તેમ હોવા છતાં કેટલાક લોકો કાયદાની મજાક ઉડાડી રહ્યા છે.
Decision news ને મળેલી માહિતી મુજબ નવસારીના કાલિયાવાડીથી ગ્રીડ જતા માર્ગ ઉપર એક મોપેડ ચાલકે હાથ છોડી ધૂમ સ્પીડ ઉપર વાહન હંકારતા તેની વિડિઓ વહેતો થતા પોલીસે આ યુવાનની ઓળખ માટેની કાર્યવાહી શરૂ કરી હોવાની માહિતી પણ ટ્રાફિક વિભાગના અધિકારીઓએ આપી હતી. નવસારીના કાલીયાવાડીથી ગ્રીડ વચ્ચે એક મોપેડ ચાલક પોતાની મોપેડ લઈને બપોરના સમયે પસાર થાય છે અને અચાનક બંને હાથ છોડી દઈ ડ્રાઇવિંગ કરે છે.
ત્યાર બાદ બંને હાથ છોડી માથું પાછળની સાઇડ ઉપર છોડી દઈ અવનવા યોગ કરે છે. આ સમગ્ર પ્રક્રિયા પાછળ આવતી એક કારના ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કરી અને સોશિયલ મીડિયામાં વહેતો કર્યો હતો. જેને લઇ ટ્રાફિક પોલીસે પણ આ યુવાન કોણ હતો અને મોપેડ નંબરના આધારે એની ઓળખ થઈ શકે તે માટે સીસીટીવી કેમેરાના ફૂટેજ જોવાની કાર્યવાહી કરી હોવાની માહિતી ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર પી. કે. દાવરાએ આપી હતી.

