નર્મદા: કેવડિયા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સરોવરના સ્થાનિક અસરગ્રસ્તો વર્ષોથી લારી-ગલ્લા ચલાવી રોજગારી મેળવી રહ્યા હતા. તેમની દુકાનો અને ઘરો પર બુલડોઝર ફેરવીદેવમાં આવતા સ્થાનિક લોકોને રસ્તે રઝળતા કરી દીધા છે. આ મુદ્દાએ ગુજરાત ભરના આદિવાસી સમાજમાં રોષ ફેલાયો છે અને દેડિયાપાડાના ધારાસભ્ય પણ ઘટન સ્થળે પહોંચ્યા હતા.
ચૈતર વસાવાએ આકરા શબ્દોમાં સરકારને ચેતવણી આપી
દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને આદિવાસી સમાજના આગેવાનોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે તોડી પાડવામાં આવેલ દુકાનો અને ઘરોની સ્થળ તપાસ કરી મુલાકાત લીધી. ધારાસભ્યએ આકરા શબ્દોમાં સરકારને ચેતવણી આપતાં કહ્યું કે, હજી અમે બંધારણમાં માનીએ છીએ અને બીજી બાજુ અમારા લોકોને પોલીસના ડંડાથી ડરાવવામાં આવી રહ્યા છે. પરંતુ અમે કહેવા માંગીએ છીએ કે જો સરકાર અમને ગોળીઓ મારવા માંગતી હોય તો પણ અમે ગોળીઓ ખાવા તૈયાર છીએ.અમારી માતા-બહેન-દીકરીઓની આંતરડી તમે રડાવી છે, તો આ મુદ્દાને અમે છોડીશું નહીં. અમે કાયદાકીય રીતે પણ લડત લડીશું અને રોડ ઉપર પણ આ મુદ્દે ઊતરીશું.
વધુમાં તેને કહ્યું કે, આપણા લોકોના ભોગે અહીં ડેમ બન્યો છે, જેમાં આપણી જમીનો ગઈ છે અને અહીંનું પાણી સંપૂર્ણ ગુજરાતમાં જાય છે. પરંતુ આપણને ન વળતર મળ્યું, ન પાણી મળ્યું, ન જમીન મળી, ન નોકરી મળી. અને ત્યારબાદ પણ જો સરકાર હવે અહીંના લોકો પર દાદાગીરી કરીને હેરાન કરતી હોય, તો આપણે નર્મદા ડેમ પણ બંધ કરાવી દઈશું.
સરકાર નર્મદાના નામે ચૂંટણીઓ લડે છે, વાહ-વાહી લૂંટે છે, પરંતુ અહીંના સ્થાનિક લોકોને નર્મદાના પાણીનો કોઈ ફાયદો નથી. તો શું અમે જમીનો આપીને ગુનો કર્યો? નર્મદાના નામે ગામડાઓ ખાલી કરાવ્યા, રોડ રસ્તાઓના અને હાઇવેના નામે ગામડાઓ ખાલી કરાવ્યા, સ્ટેચ્યુના નામે ગામડાં ખાલી કરાવ્યા અને હવે લોકોના ઝૂંપડાં તોડી નાખ્યા. અમારો સવાલ છે કે શું હવે આ જમીનો પણ ઉદ્યોગપતિઓને આપવાની છે? શું આ જમીનો હોટલો અને રિસોર્ટવાળાને આપવાની છે..?
સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવતી વખતે નેતાઓ રથ લઈને નીકળતા હતા તે હાલ ક્યાં ગયા?
નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવતી વખતે પાર્ટીઓના નેતાઓ રથ લઈને નીકળતા હતા અને વાયદાઓ કરતા હતા કે રોજગારી આપીશું, રોજગારી આપીશું. મારો સવાલ છે કે એ લોકો હાલ ક્યાં ગયા? આવતા ગુરુવારે આ મુદ્દે આપણે એક મોટો કાર્યક્રમ યોજીશું અને ચારેય રાજ્યોના લોકોને બોલાવો, તમામ નેતાઓ અને આગેવાનોને પણ બોલાવો. અમે કાયદો વ્યવસ્થામાં માનીએ છીએ એટલા માટે પરમિશન લઈને આ મુદ્દે કાર્યક્રમ કરીશું. જો આ કાર્યક્રમની પરમિશન મળશે તો ઠીક છે, પરંતુ જો પરમિશન નહીં મળે તો પણ અમે હજારોની સંખ્યામાં આ કાર્યક્રમ કરીશું.
ન્યાય નહીં મળે તો 31 ઓક્ટોબરના રોજ સરદાર પટેલની જન્મજયંતિના દિવસે વડાપ્રધાનનો કાર્યક્રમ થવા નહીં દઈએ
ગુરુવારના કાર્યક્રમમાં એક આવેદનપત્ર આપીને 15 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો સરકાર આટલા દિવસોમાં સરકાર લોકોના ઝૂંપડાં ફરીથી બનાવી નહીં આપે, તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની બસો, રીક્ષાઓ અને હોટલોને બંધ કરાવીશું, નહેરમાં ઉતરીને નહેર પણ બંધ કરાવીશું. અમે હવે બિરસા મુંડા અને ભગતસિંહ બનવા માટે તૈયાર છીએ. આ વર્ષે આવનાર સરદાર પટેલની 150મી જન્મજયંતિનું અમે સન્માન કરીએ છીએ, પરંતુ અમારા લોકોને ન્યાય નહીં મળે તો 31 ઓક્ટોબરના રોજ સરદાર પટેલની જન્મજયંતિના દિવસે વડાપ્રધાનનો કાર્યક્રમ થવા નહીં દઈએ.
15 દિવસમાં અમારી માંગો પૂરી નહીં થાય, તો ધરણાઓ અને ઉપવાસ કરીશું
અમારા નર્મદાના લોકોને વળતર જોઈએ, નર્મદાનું પાણી જોઈએ. જે લોકોની જમીન ઉપર બુલડોઝર ચલાવ્યા છે તે લોકોને અહીં ફરીથી સ્થાપિત કરવામાં આવે, તેમની મૂળ જગ્યા પર તેમના ઘરો બનાવવામાં આવે આ અમારી મુખ્ય માંગો છે. જો આવેદન આપ્યા પછી 15 દિવસમાં અમારી માંગો પૂરી નહીં થાય, તો અમે દરરોજ હજારોની સંખ્યામાં આવીને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર બેસીશું અને ત્યાં ધરણાઓ અને ઉપવાસ કરીશું.
આ વખતે અમે પાછી પાની કરીશું નહીં
ભલે ઓક્ટોબર મહિના સુધી અમને બેસવું પડે, તો પણ અમે બેસીશું. પરંતુ આ વખતે અમે પાછી પાની કરીશું નહીં. ક્યાં સુધી આપણા લોકો ઘર-બાર વગર પોતાના બિસ્તરા-પોટલા લઈને અહીં ત્યાં ભટકશે? શું આપણે જ દેશના વિકાસમાં ભોગ આપવાનો? હવે આદિવાસી લોકો સાથે આવી કોઈ પણ ઘટના હું ચલાવવાનો નથી.

