કવાંટ: હાફેશ્વર ખાતે નર્મદા નદીમાં 15 મેએ બપોરે એક વાગ્યાના સુમારે એક દર્દનાક ઘટના બની. છોડવાણી ગામના 24 વર્ષીય નિલેશ મોલજીભાઈ ભીલ તેના કુટુંબીજનો સાથે નદીમાં સ્નાન કરવા ગયો હતો. સ્નાન દરમિયાન અચાનક મગર આવ્યો અને નિલેશને ઊંડા પાણીમાં ખેંચી ગયો.

Decision News ને મળેલી જાણકારી મુજબ નિલેશ સાથે આવેલા કુટુંબીજનો ડરના માર્યા નદીમાંથી બહાર નીકળી ગયા. તેમણે મદદ માટે બૂમાબૂમ કરી, પરંતુ કોઈ કંઈ કરી શક્યું નહીં. લગભગ ત્રણ કલાક બાદ મગર યુવકની લાશને નદી કિનારે લાવ્યો. ત્યાં હાજર લોકોએ મગર પર પથ્થરમારો કરતાં તે લાશને છોડીને નદીમાં ભાગી ગયો.

યુવકની લાશની તપાસમાં તેના પગના ભાગે ગંભીર ઈજાઓ જોવા મળી. જોકે, મૃત્યુનું મુખ્ય કારણ ડૂબી જવું હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના ત્રિભેટે આવેલા હાફેશ્વર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી મગરનો આતંક જોવા મળી રહ્યો છે. આવી ઘટનાઓ વારંવાર બનવા છતાં વહીવટી તંત્ર દ્વારા નદીમાં સ્નાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી કે કોઈ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી નથી.