હવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં છેલ્લાં બે અઠવાડિયાથી કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. જેના કારણે ખેડૂતોને લાખોનું નુકસાન થઈ ચુક્યું છે. હવામાન વિભાગે આજથી ત્રણ દિવસની નવી આગાહી આપી છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના છે.

આ જિલ્લામાં વરસશે વરસાદ: હવામાન વિભાગે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતમાં અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે, જેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ ઊભો થયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, 7 દિવસ દરમિયાન છૂટોછવાયો વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરી છે. શુક્રવારે (16 મે) અનેક જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જેમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરાનગર હવેલીમાં અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદની શક્યતા છે.

નોંધનીય છે કે, એક બાજુ જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ત્યાં ગુજરાતના અનેક જિલ્લામાં તાપમાન 40 પાર જવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જેથી ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થશે. હવામાનની આગાહી અનુસાર રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદમાં તાપમાન 40 પાર જઈ શકે છે.