સુરત: દેશમાં પહેલીવાર સુરતમાં QR કોડથી હેલ્થ સર્વેના જૂન મહિનાથી શ્રીગણેશ કરાશે, જેમાં પહેલા તબક્કામાં તમામ નવ ઝોનના 150 લેખે 1350 ઘરોને આવરી લેવાશે ત્યાર બાદ સર્વેમાં મળતી ક્વેરીઓને સુધારતા જઈને આખરે તમામ 18.29 લાખ ઘરોમાં QR કોડ લગાવી દેવાશે. ડ્રાફ્ટ બજેટમાં કમિશનર શાલિની અગ્રવાલે કરેલી જોગવાઈ મુજબ પાયલટ પ્રોજેક્ટ તરીકે સરવે હાથ ધરાશે. આ માટેની તૈયારીઓ પૂર્ણ કરી ઝોનમાં ટીમને સૂચના પણ આપી દેવાઈ છે.પાલિકા દ્વારા ઘરો પર લગાડવામાં આવનારા QR કોડના સ્ટિકરોમાં જે તે પરિવારના સભ્યોનું નામ, સરનામું તમામ સભ્યોના હેલ્થ વર્કરોના સરવે દરમિયાન તાવ, રોગચાળાની માહિતી, મચ્છરનાં બ્રીડિંગ સહિતના ડેટા ઉપલબ્ધ થઈ જશે. ચોમાસા પહેલાં પાઇલટ પ્રોજેક્ટ તરીકે શરૂઆત કરવાની પાલિકાએ જાહેરાત કરી હતી તે મુજબ જૂન મહિનાથી હેલ્થ સરવે શરૂ કરવામાં આવશે.

આરોગ્ય કેન્દ્રો, કોમ્યુનિટી હોલ, તરણકુંડની માહિતી પણ મળશે: જે તે સ્થળા QR કોડમાં ગંદા પાણીની ફરિયાદ હોય તે સહિતની વિગતો, આકારણી વિભાગ તેમની એન્ટ્રી નાંખવી હોય તો તે કરી શકશે. પાણી, ડ્રેનેજ સહિતની તમામ માહિતીઓ પણ તેમાં ફીડ કરવામાં આવશે. નજીકના ભવિષ્યમાં ઇમ્યુનાઇઝેશનના ડેટા, 5 વર્ષથી નીચેના જે તે ઘરમાં કેટલાં બાળકો છે, અન્ય ફેસિલિટીઓમાં ઘર નજીકના આરોગ્ય કેન્દ્ર, કોમ્યુનિટી હોલ, સ્વિમિંગ પૂલ, પાર્ટી પ્લોટ, વોર્ડ ઓફિસો, જન સુવિધા કેન્દ્રો, આધાર સેન્ટરો, પે એન્ડ યૂઝ, પાર્કિંગ સહિતની સેવાઓનો સમાવેશ કરતા જશે તેવું વીબીડીસી વિભાગના અધિકારી જયસુખ વાગડિયાએ જણાવ્યું હતું.

AI વિશ્લેષણ, મલેરિયા માટે જોખમ, હોટસ્પોટની આગાહી થઈ શકશે: આ સિસ્ટમના કારણે રિયલ-ટાઇમ ડેટા કલેકશન થશે, QR કોડ સ્કેનિંગ દ્વારા સરળ રિપોર્ટિંગ, મેપિંગ ઓનલાઇન કરી શકાશે. આ ઉપરાંત AI આધારિત વિશ્લેષણ, મલેરિયા માટે જોખમ અને હોટસ્પોટની આગાહી થઈ શકશે. ડિજિટલ ડેશબોર્ડમાં નોટિફિકેશન અને ટ્રેન્ડ એનાલિસિસ થશે. કોમ્યુનિટી અવેરનેસ માટે ઝડપી પગલાં માટે તાત્કાલિક નોટિફિકેશન પણ અપાશે, જેને કમાન્ડ એન્ડ કન્ટ્રોલ (ICCC) સેન્ટરથી જોડાશે. આ ઉપરાંત QR કોડનો પ્રાયોગિક રીતે પણ ડ્રેનેજ, પાણી માટે ડિજિટલ ગવર્નન્સ માટે ઉપયોગ કરવામાં આવશે એવું પાલિકાનું કહેવું છે.

ઘરમાલિક પણ કોડ સ્કેન કરી શકશે, પાલિકાના તમામ વિભાગો લિંક કરાશે: આ QR કોડની કામીગીર પણ લોકાભિમુખ કરવામાં આવનાર છે, જેમાં સામાન્ય વ્યક્તિ પણ કોડને સ્કેન કરી શકશે. જેથી તેને પાલિકાની તમામ સુવિધાઓ, વિગતો મોબાઇલમાં જ તરત ઉપલબ્ધ થઈ શકશે. જ્યારે પાલિકાના વીબીડીસી વિભાગના કર્મચારી જે તે ઘરના QR કોડ સ્કેન કરશે તો તે પોતાના પરિવારની આરોગ્ય વિશેની માહિતી તેને મળી જશે, તેવી જ રીતે પ્રોપર્ટી ટેક્સના કર્મચારી જશે તો તેને તે ઘરના પ્રોપર્ટી ટેક્સ અંગેની વિગતો મળશે. ઉપરાંત પાણી ખાતાના કર્મચારીને પાણીના મીટરની વિગતો મળી જશે, તેથી જુદા જુદા વિભાગોની માહિતી આ QR કોડમાં લિંક કરાશે.