વાંસદા: આજરોજ વાંસદા તાલુકામાં પિતૃસંપત્તિનો વિવાદ લોહિયાળ બનયની ઘટના પ્રકાશમાં આવી છે. મહુવાસ ગામમાં એક યુવાને પોતાના માસાના માથામાં કુહાડીના ઘા મારીને હત્યા કરી નાખી છે જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

મહુવાસ ગામના નવું ફળિયામાં રહેતા મુકેશ રાણા (ઉંમર 55)એ આંતરજ્ઞાતિ લગ્ન કરીને ઘરજમાઈ તરીકે સાસુ-સસરા સાથે રહેવાનું પસંદ કર્યું હતું. તેમની પત્ની અનિલાબેન ગામીતનું અવસાન 15 વર્ષ પહેલા થયું હતું. અનિલાબેનની ત્રણ બહેન છે, અને પિતૃ સંપત્તિમાં અનિલાબેનનું નામ વારસાઈમાં ઉલ્લેખિત ન હતું. મુકેશભાઈએ આ બાબતે મામલતદાર કચેરીમાં વાંધા અરજી દાખલ કરી હતી. 15 મેના રોજ નાયબ કલેક્ટર કચેરીમાં હાજર રહેવાનું નક્કી હતું. પરંતુ 13 મેની રાત્રે આ વિવાદે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું. 13 મેની રાત્રે મુકેશભાઈ પરિવાર સાથે વાતચીત કરી રહ્યા હતા. તે દરમિયાન ફરિયાદીનો માસીનો પુત્ર ઉમેશભાઈ અરવિંદભાઈ ગામીત કુહાડી લઈને આવ્યો અને મુકેશભાઈના માથાના પાછળના ભાગે ઘા મારી દીધો હતો. કુહાડી માથામાં ખૂંપી જતાં મુકેશભાઈ લોહીલુહાણ અને બેભાન થઈ ગયા હતા.જેને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને વાંસદા કોટેજ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

DYSP ભગીરથસિંહ ગોહિલે જણાવ્યું કે, “પિતૃસંપત્તિના વિવાદને કારણે આ લડાઈ શરૂ થઈ હતી, જે લોહિયાળ બનાવમાં પલટાઈ. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને હાલમાં ઉમેશભાઈ ગામીતની પર કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.” મૃતકના પુત્ર આશુતોષ રાણાએ વાંસદા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. હાલ આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલી રહી છે.