નવીન: કોઈમ્બતુરના રહેવાસી 68 વર્ષીય રાની એન. ટી.એ 68 વર્ષની ઉંમરે 12મું ધોરણ પાસ કરીને સાબિત કરી દીધું કે શીખવાની કોઈ ઉંમર નથી હોતી! તેમણે ભણતર છોડયાના લગભગ 50 વર્ષ પછી, આ વર્ષે ખાનગી ઉમેદવાર તરીકે 12મીની બોર્ડની પરીક્ષા પાસ કરી છે. રાનીને તમિલમાં 89, અંગ્રેજીમાં 50, અર્થશાસ્ત્રમાં 48 અને 600માંથી કુલ 346 નંબર આવ્યા છે. ખાસ વાત એ છે કે તેમણે કોઈપણ કોચિંગ વિના, ઘરે જાતે જ અભ્યાસ કર્યો હતો.
1972માં 10મું ધોરણ પાસ કર્યા પછી રાનીનું ભણતર અટકી ગયું હતું. તે જણાવે છે, “મારા ગામમાં ત્યારે આગળ ભણવાનો કોઈ રસ્તો નહોતો. લગ્ન પછી હું ચેન્નાઈ અને પછી કોઈમ્બતુર આવી ગઈ, પરંતુ પારિવારિક જવાબદારીઓના કારણે ફરીથી ભણી શકી નહીં.” 2020માં પતિના નિધન પછી રાનીએ પોતાના માટે કંઈક કરવાનું નક્કી કર્યું. “બાળકો સેટલ થઈ ગયા હતા, હવે કોઈ મોટી જવાબદારી નહોતી. મેં પુસ્તકો ખરીધા અને 11મા ધોરણનો અભ્યાસ શરૂ કર્યો.”
પહેલી જ વારમાં 11મું ધોરણ પાસ કર્યા પછી તેમણે આ વર્ષે 12મીની પરીક્ષા આપી. તેમણે જણાવ્યું કે તે સાયન્સ લેવા માંગતી હતી, પરંતુ જ્યારે તે વિકલ્પ ન મળ્યો તો આર્ટસ લીધું.
યોગ અને કલારી કરનારા રાની હવે Physical Educationમાં ડિગ્રી લેવા માંગે છે. “ખબર નથી આ ઉંમરે એડમિશન મળશે કે નહીં, પણ પ્રયત્ન જરૂર કરીશ.” એક્ઝામ સેન્ટરમાં જ્યારે યુવાન સ્ટુડન્ટ્સ અને ટીચર્સ તેમને આશ્ચર્યથી જોતા હતા, તો રાની માત્ર હસીને કહેતી હતી, “શીખવાની કોઈ ઉંમર નથી હોતી.”
સ્રોત: ધ બેટર ઈન્ડિયા

