માંડવી: માંડવી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તાપી નદીના નવા પુલ નજીકથી એક મહિન્દ્રા બોલેરો પીકઅપ વાહનમાંથી ગેરકાયદેસર રીતે અને અત્યંત ક્રૂરતાપૂર્વક કતલખાને લઈ જવાતા બે ભેંસ અને બે પાડાને ગૌરક્ષકો અને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ ઘટનામાં બે ઈસમોની અટકાયત કરવામાં આવી છે અને આશરે ૫.૪૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
મળેલ માહિતી અનુસાર એક સફેદ કલરની બોલેરો પીકઅપ ગાડી નંબર GJ-26-T-7003 માં ગેરકાયદેસર રીતે પશુઓ ભરીને માંડવીથી બારડોલી તરફ કતલ કરવાના ઈરાદે લઈ જવામાં આવી રહ્યા છે. આ બાતમીના આધારે ગૌરક્ષકોએ તાપી નદીના નવા પુલના છેડે વોચ ગોઠવી હતી. રાત્રીના આશરે સાડા આઠેક વાગ્યાના સુમારે બાતમીવાળી ગાડી આવતા તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. બાતમી વાળી ગાડીને ઉભી રાખીને તપાસ કરતા તેમાં બે મોટી ભેંસ અને બે નાના પાડાને અત્યંત ટૂંકા દોરડા વડે ખીચોખીચ અને ક્રૂરતાપૂર્વક બાંધેલા મળી આવ્યા હતા. પશુઓ માટે ઘાસચારો કે પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી, તેમજ તેમને ઉઠવા-બેસવા કે હલનચલન કરવા માટે પૂરતી જગ્યા પણ ન હતી. આ અંગે તાત્કાલિક માંડવી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
પોલીસે બોલેરો પીકઅપના 25 વર્ષીય બારડોલીના ચાલક અજયભાઈ છગનભાઈ વસાવા અને 20 વર્ષીય બારડોલીના ક્લીનર કાશીનાથ બાબાજી બોરસેની અટકાયત કરી હતી. તેમની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ પશુઓ માંડવીના ધોબણી નાકા વિસ્તારમાં રહેતા સીદ્દીકભાઈના તબેલામાંથી ભરીને બારડોલી ખાતે રહેતાજીતુભાઈ વિઠ્ઠલભાઈ સકટને ત્યાં લઈ જવામાં આવી રહ્યા હતા.
પોલીસે પશુઓ પ્રત્યે ક્રૂરતા અધિનિયમ અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ મુદ્દામાલમાં બે ભેંસ કુલ કિંમત 20,000, બે પાડા કુલ કિંમત 4000, બોલેરો પીકઅપ વાહન કિંમત 5,00,000, અને બે મોબાઈલ ફોન કિંમત 16,000 મળી કુલ 5,40,000 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ મામલે હેડ કોન્સ્ટેબલ યોગેશકુમાર વાલજીભાઈ વસાવા તપાસ ચલાવી રહ્યા છે.

