ઝઘડીયા: ઝઘડીયા અને નેત્રંગ તાલુકાના ગામોને જોડતો ખૂબ મહત્ત્વનો રસ્તો પૂર્ણ થવાના આરે છે. આ રસ્તાની 10-15 વર્ષ પહેલા ખાસ કરીને નેત્રંગ તાલુકાના વનખુટાપાડા, મોંગજ, મચામડી જેવા ગામોએ માંગ કરી હતી. આ રસ્તાના નિર્માણ માટે 10 વર્ષ પહેલા કોલિયાપાડા પાસે ખૂબ મોટા ડુંગર હિલ કટિંગ માટે ગુજરાત પેટર્નમાંથી રૂપિયા ૮ લાખ મંજુર કરવામાં આવ્યા હતા છતાં પણ રસ્તો ચાલુ થાય તેવી સ્થિતિ નહોતી.
સાંસદ મનસુખ વસાવા જણાવે છે કે લોકોની માંગણી મુજબ મેં પ્રત્યેક્ષ સ્થાનિક કાર્યકર્તા સાથે બાઇક પર બેસીને સંપૂર્ણ રસ્તાનું નિરક્ષણ કર્યું. કોલિયાપાડાથી વલીરાયસિંગપરા અને વનખૂટાપાડા નો રસ્તો રાજ્ય સરકારમાંથી મંજૂર કરાયો જે લોકો માટે ખુબજ ઉપયોગી છે જેની નબળી કામગીરીની ફરિયાદ અવાર નવાર આવતી રહી છે જે સંદર્ભે વારંવાર પ્રત્યેક્ષ મુલાકાત લેતા રહ્યા છે. ભરૂચ જિલ્લા બાંધકામ સમિતિનાં ચેરમેન શ્રી રાયસિંગભાઈ વસાવા, નેત્રંગ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી મનસુખભાઈ વસાવા, નેત્રંગ તાલુકા ભાજપના મહામંત્રી શ્રી પાર્થભાઈ ત્રિવેદી તથા રમેશભાઈ વસાવા અને અન્ય આગેવાનોએ આ રસ્તાની મુલાકાત લીધી જેમાં ફરિયાદ કરનારાઓની નબળી કામગીરી અંગેની ફરિયાદ યોગ્ય જણાઈ.
આ સંદર્ભે રોડની સંભાળ રાખનાર ડેપ્યુટી ઈજનેર શ્રી ચૌધરી જી, કોન્ટ્રાક્ટર અને સ્ટાફનું મીડિયાની હાજરીમાં ધ્યાન દોર્યું અને જ્યાં જ્યાં રસ્તા નબળા બન્યા છે ત્યાં ફરીથી વધારાનું મટીરીયલ વાપરી રોડ રસ્તાઓને મજબૂત બનાવવાં જણાવ્યું. ઝઘડિયા, વાલીયા અને નેત્રંગ તાલુકામાં રોડ રસ્તાઓ હજુ પણ નબળા બને છે તેવી લોકમુખે વારંવાર ફરિયાદો આવે છે જેને લઈને આવનાર સમયમાં દરેકે દરેક રોડ રસ્તાઓ સારા અને મજબૂત બને તે માટે જવાબદાર અધિકારીઓનું ધ્યાન દોરીશ.

