સોનગઢ: ગતરોજ સોનગઢના ખડકા ચીખલી ગામે બાઇક સવાર યુવકો પર દીપડાએ હુમલો કર્યો હતો. હુમલામાં યુવકને પાછળના ભાગમાં અને પગના ભાગે ઇજા પહોંચી હતી. હુમલો બાદ દીપડો ભાગી ગયો હતો. ઘટનાને પગલે ગ્રામજનો ભયભીત જોવા મળી રહ્યા છે.
વ્યારા તાલુકાના નાની ચીખલી ગામે નવું ફળિયામાં રહેતા જીગ્નેશ સોમાભાઈ ગામીત ખેતી કામ સાથે ટીવી એન્ટેના ડીસ ફિટિંગનું પણ કામ કરે છે. રવિવારે સાંજે નજીકમાં આવેલા સોનગઢ તાલુકાના ખડકા ચીખલી ડીશ ફિટિંગનું કામ પતાવી ગામમાં રહેતા મિત્ર અમિત ગામીત સાથે બાઈક પર તેઓ નાની ચીખલી આવવા નીકળ્યા હતા. તે વખતે ખડકા ચીખલી ગામની સીમમાં પટેલ ફળીયા પાસે ઝાડી ઝાંખરામાંથી દીપડો દોડી આવ્યો અને બાઈક પર પાછળ બેસેલા જીગ્નેશ ગામીત પર હુમલો કરી દેતા જમણા પગે પંજાના ભાગે નાખોરાં મારી દીપડાએ ગંભીર ઇજા પહોંચાડી હતી
હુમલા બાદ દીપડો નજીકના વિસ્તારમાં પલાયન થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત થતા જીગ્નેશ ગામીતે હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. હાલમાં દીપડાને લઈને લોકોમાં ડરનો માહોલ જોવા મળે છે. ઘટના મુદ્દે જાણ થતાં વન વિભાગ દ્વારા દીપડા માટે પાંજરા ગોઠવવામાં આવ્યા છે.

